હેપી બર્થ ડે ડ્રીમગર્લ: જાણો હેમા માલિનીના જીવનની ખાસ વાતો…

નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી અને સાંસદ હેમા માલિની 71 વર્ષના થઈ ગયા છે. હેમા માલિની બોલીવુડની એ અભિનેત્રીઓમાંથી છે કે, જેમની ખુબસૂરતીના વખાણ કરતા આજે પણ લોકો થાકતા નથી. જોકે, હેમા માલિનીએ પોતાના ફિલ્મી કેરિયરમાં માત્ર સુંદરતાથી જ નહીં પરંતુ પોતાના અભિનયથી પણ લોકોના દિલ જીત લીધા છે. આજે હેમા માલિનીના જન્મદિવસ પર જાણીએ તેમના જીવન સાથે જોડાયેલી ખાસ વાતો….

10 ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો છે હેમા માલિનીએ…

હેમા માલિની દક્ષિણ ભારતથી આવે છે, પણ તેમણે બોલીવુડમાં જે નામ અને કામના મેળવી છે તે ખરેખર પ્રશંસાને પાત્ર છે. હેમા માલિની ચેન્નાઈની એક સ્કુલમાં અભ્યાસ કરતી હતી અને તેને 10માં ધોરણમાંથી જ ફિલ્મોની ઓફર આવવા લાગી હતી. જ્યારે તે 11માં ધોરણમાં હતા ત્યારે તેમણે ફિલ્મોમાં કામ કરવાનું શરુ કરી દીધુ હતુ અને કહેવામાં આવે છે કે, તેમણે 10માં ધોરણની પરીક્ષા પણ પાછળથી પાસ કરી હતી.

ફિલ્મી કેરિયર

તેમણે વર્ષ 1961માં એક તેલુગુ ફિલ્મ ‘પાંડવ વનવાસન’માં નર્તકીનો રોલ કર્યો હતો. તો હેમાએ 1968માં ફિલ્મ સપનો કે સૌદાગરથી પોતાના કેરિયરની શરુઆત કરી, ખાસ વાત એ છે કે, એ ફિલ્મમાં મુખ્ય પાત્રના રોલમાં રાજકપૂર હતા. ભલે એ હેમા માલિનીની પ્રથમ ફિલ્મ હતી, પણ એ દરમ્યાન રાજ કપૂરે કહી દીધુ હતુ કે, હેમા એક દિવસ ફિલ્મ જગતની ખુબ મોટી સ્ટાર બનશે અને થયું પણ કંઈક એવુ જ

ત્યારબાદ તેમણે 1970માં ‘જોની મેરા નામ’ ફિલ્મમાં કામ કર્યુ, જે સુપરહિટ નિવળી અને હેમા માલિનીની સફર ધીમે ધીમે આકાશને આંબવા લાગી. હેમાએ 1972માં આવેલી ફિલ્મ ‘સીતા અને ગીતા’માં ડબલ રોલ કર્યા. ફિલ્મ સફળ રહી અને હેમા રાતોરાત સ્ટાર બની ગઈ. આ ફિલ્મે તેમને સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર અપાવ્યો હતો. ત્યારબાદ હેમાએ સેકડો ફિલ્મોમાં કામ કર્યુ, જેમાં સીતા અને ગીતા, શોલે, ડ્રીમગર્લ, સત્તે પે સત્તા અને કિનારા જેવા અનેક ફિલ્મો શામિલ છે.

હેમા માલિનીએ નિર્દેશનના ક્ષેત્રમાં પણ હાથ અજમાવ્યો. તેમણે ફિલ્મ ‘દિલ આશના હે’નું નિર્દેશન કર્યું હતું, જેમાં શાહરુખ ખાનને પણ તક આપવામાં આવી હતી. ભલે દીવાના શાહરુખની પ્રથમ ફિલ્મ માનવામાં આવતી હોય પણ શાહરુખને સૌથી પહેલા ફિલ્મની ઓફર હેમા માલિનીએ જ દિલ આશના માટે કરી હતી.

ધર્મેન્દ્ર અને હેમાની કહાની

ધર્મેન્દ્ર અને હેમા એક સાથે ફિલ્મોમાં કામ કરતા હતા અને ધીમે ધીમે એક બીજા તરફ આકર્ષિત થયાં. હેમા માલિનીએ પોતાના પુસ્તકમાં એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે, પહેલા હેમાએ કયારેય પણ ધર્મેન્દ્ર સાથે લગ્ન કરવા અંગે નહતુ વિચાર્યુ. જોકે સમયજતા એક દિવસ આ વાત આગળ વધી અને બંન્નેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. 21 ઓગસ્ટ 1979ના રોજ ધર્મેન્દ્રએ ધર્મ અને નામ પરિવર્તન કરીને હેમા માલિની સાથે નિકાહ કરી લીધા, જેથી ધર્મેન્દ્રએ તેમની પ્રથમ પત્ની પ્રકાશ કૌરને તલાક ન આપવો પડે. તેમના નિકાહનામામાં લખ્યું હતુ- દિલાવર ખાન કેવલ કૃષ્ણ (44 વર્ષ) 1,11,000 રૂપિયા મેહર સાથે આયશા બી આર ચક્રવર્તી (29 વર્ષ)ને બે સાક્ષીઓની હાજરીમાં તેમની પત્ની તરીકે સ્વીકાર કરે છે.