મુંબઈઃ ‘ધૂમ’ ફિલ્મના દિગ્દર્શક સંજય ગઢવીનું આજે અહીં એમના નિવાસસ્થાને નિધન થયું છે. તેઓ 57 વર્ષના હતા. ત્રણ દિવસ પછી એમનો જન્મદિવસ હતો. એમની પુત્રી સંજના ગઢવીએ આ સમાચાર આપ્યાં હતાં. સંજય ગઢવીએ 2004માં આવેલી ‘ધૂમ’ ફિલ્મ ડિરેક્ટ કરી હતી. એમાં હૃતિક રોશન અભિનેતા તરીકે હતો. ત્યારબાદ 2006માં ગઢવીએ ‘ધૂમ 2’ પણ બનાવી હતી. ગઢવીના નિધન અંગે યશરાજ ફિલ્મ્સ કંપની, અભિષેક બચ્ચન અને બિપાશા બસુએ સોશિયલ મીડિયા પર આઘાતની લાગણી વ્યક્ત કરી છે.
ગઢવી આજે સવારે અંધેરી (વેસ્ટ) લોખંડવાલા કોમ્પ્લેક્સ વિસ્તારમાં મોર્નિંગ વોક પર ગયા હતા. બાદમાં તેઓ પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. એમને તાબડતોબ નજીકની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પણ ત્યાં ડોક્ટરોએ એમને મૃત લાવેલા ઘોષિત કર્યા હતા. એમ કહેવાય છે કે મોર્નિંગ વોક વખતે એમને હાર્ટ એટેક આવ્યો હતો.
સંજનાએ પીટીઆઈ સમાચાર સંસ્થાને કહ્યું હતું કે, એમનાં પિતા આજે સવારે 9.30 વાગ્યે નિવાસસ્થાને અવસાન પામ્યા હતા. ‘અચાનક શું થયું એની અમને ખબર નથી, પણ હાર્ટ એટેક આવ્યો હોવાની સંભાવના છે. તેઓ એકદમ તંદુરસ્ત હતા.’ ગઢવીના પરિવારમાં એમના પત્ની જિના અને બે પુત્રી છે. સંજના બંને બહેનોમાં મોટી છે.
સંજય ગઢવીએ 2000માં સૌથી પહેલી ફિલ્મ બનાવી હતી – ‘તેરે લિયે’. એમણે યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ કેટલીક ફિલ્મો બનાવી હતી, જેમાં ‘ધૂમ’, ‘ધૂમ 2’, ‘મેરે યાર કી શાદી હૈ’નો સમાવેશ થાય છે. 2008માં એમણે સંજય દત્ત, ઈમરાન ખાન, મિનીષા લામ્બા અભિનીત ‘કિડનેપ’ બનાવી હતી. ત્યારબાદ 2012માં અર્જુન રામપાલ-રવીના ટંડન અભિનીત ‘અજબ ગઝબ લવ’ અને 2020માં અમિત સાધ, રાહુલ દેવ અભિનીત ‘ઓપરેશન પરિંદે’ ફિલ્મ બનાવી હતી.