ગૂપચૂપ રીતે પોતાનો ફોટો પાડનાર પર આલિયા ભડકી; પોલીસને ફરિયાદ કરી

મુંબઈઃ સેલિબ્રિટી વ્યક્તિઓ અને પેપરાઝી (મીડિયા ફોટોગ્રાફરો) વચ્ચે અનેકવાર વાદવિવાદ થતો હોય છે. નામાંકિત હસ્તીઓ, ખાસ કરીને બોલીવુડના ટોચના કલાકારો એમનું જીવન કેવી રીતે જીવે છે એ જાણવાની અને એમને પોતાના કેમેરામાં કેદ કરવા ફોટોગ્રાફરો કાયમ ઉત્સૂક રહેતાં હોય છે. પરંતુ ઘણા કલાકારોને એ પસંદ પડતું નથી અને તેઓ રોષે ભરાઈ જતા હોય છે. આવું બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ સાથે બન્યું છે. પરવાનગી વગર પોતાની તસવીરો ખેંચનાર પેપરાઝી પર એ ભડકી ગઈ છે અને એમની વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ પણ કરી છે.

આલિયાએ એનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટના સ્ટોરી વિભાગ પર એક તસવીર શેર કરી છે, જે એક ન્યૂઝ પોર્ટલમાં છપાઈ હતી. એમાં તે બાન્દ્રા (વેસ્ટ)સ્થિત એનાં ઘરના લિવિંગ રૂમમાં બેઠેલી દેખાય છે. તેણે ઘરનો આ ફોટો પાડવા માટે પેપરાઝીને કોઈ પણ પરવાનગી આપી નહોતી. પેપરાઝીએ ગૂપચૂપ રીતે એ ફોટો પાડ્યો હતો, એને કારણે આલિયા રોષે ભરાઈ છે. એણે સ્ટોરીમાં ફોટો શેર કરીને લખ્યું છે, ‘આ શું મશ્કરી છે? હું બપોરના સમયે મારા લિવિંગ એરિયામાં આરામ કરતી બેઠી હતી. એવામાં મને માલુમ પડ્યું હતું કે કોઈક મને જોઈ રહ્યું છે. જોયું તો સામેના મકાનમાંથી બે જણ મારો ફોટો પાડતા હતા. આ કઈ જાતની દુનિયા છે જેમાં બધું ચાલે છે અને પરવાનગી હોય છે? આ તો કોઈના અંગત જીવનમાં ડોકિયું કરવા સમાન છે. એક રેખા હોય છે જેને ઓળંગી શકાતી નથી, પણ તમે એ બધી મર્યાદાને પાર કરી દીધી છે.’ આમ લખીને આલિયાએ મુંબઈ પોલીસને ટેગ કરી છે.

આલિયાની ફરિયાદ બાદ અન્ય બોલીવુડ કલાકારો અર્જુન કપૂર અને કરીના કપૂર-ખાન તેમજ આલિયાની બહેન શાહીન ભટ્ટ અને માતા સોની રાઝદાન પણ ભડકી ગયાં છે અને પેપરાઝીની હરકતને વખોડી કાઢતી કમેન્ટ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી છે.