22 ફેબ્રુઆરીઃ શું છે આ ‘થીંકીંગ ડે’?

૧૯૨૬ની સાલમાં અમેરિકામાં ચોથી વર્લ્ડ કોન્ફરન્સ મળી હતી ત્યારે વિશ્વભરનાં બોય સ્કાઉટ્સ અને ગર્લ ગાઈડ્સનાં પ્રતિનિધિઓ ભેગાં થયાં હતાં. એ સમયે એક નિર્ણય લેવાયો હતો, કે દર વર્ષે એક દિવસ એવો યોજવો કે જ્યારે દુનિયાભરનાં ગર્લ ગાઈડ્સ અને બોયસ્કાઉટ્સ એકબીજાં વિશે વિચારે અને આ આંતરરાષ્ટ્રીય આંદોલન પ્રત્યે અહોભાવ વ્યક્ત કરે. આ દિવસને ‘થીન્કીંગ ડે’ તરીકે ઓળખવામાં આવે. પ્રતિનિધિઓએ આ દિવસ માટે ૨૨ ફેબ્રુઆરી નક્કી કરી.

22 ફેબ્રુઆરીનો દિવસ એટલા માટે નક્કી કરવામાં આવ્યો કે, આ દિવસ સ્કાઉટીંગ આંદોલનના સ્થાપક, લોર્ડ રોબર્ટ બેડન-પોવેલ, અને તેમનાં પત્ની ઓલેવ બેડન-પોવેલ, જે વિશ્વનાં મુખ્ય ગર્લ ગાઈડ હતાં, તે બન્નેનો સંયુક્ત જન્મદિવસ હતો.

આ દિવસને લક્ષમાં રાખીને હું આ લેખ લખવા પ્રેરાઈ છું. ૧૯૦૭ની સાલમાં ૨૦ છોકરાઓથી શરૂ થયેલા આ આંદોલનના સભ્યોની સંખ્યા આજે વિશ્વભરમાં ૩૧ કરોડ પર પહોંચી ચૂકી છે. અને ગર્લ ગાઈડ્સનો આંકડો છે ૧૦ કરોડ. (ગર્લ ગાઈડ્સની શરૂઆત યુ.કે.માં ૧૯૧૦ની સાલમાં થઈ.)

બોય સ્કાઉટ રહી ચૂકેલા કે હાલ બોય સ્કાઉટ હોય તેવા ઘણાને એ પ્રવૃત્તિના ઈતિહાસની જાણ કદાચ નહીં હોય. ગયા વર્ષના ઉનાળામાં જે સ્થળે એનાં બીજ રોપાયાં હતાં એ સ્થળની મુલાકાત લેવાનો મને મોકો મળેલો. હું પૂર્વ આફ્રિકામાં એક વખતની ગર્લ ગાઈડ, ગાઈડર અને આસિસ્ટન્ટ કમિશનર રહી હોવાથી મને એના ઈતિહાસમાં રસ પડ્યો. મને લાગ્યું કે જેમ હું આ ઈતિહાસથી અજાણ હતી તેમ બીજાં ઘણાં પણ હોઈ શકે.

બોય સ્કાઉટ આંદોલનના બીજ રોપાયાં એ સ્થળ છે ઈંગ્લંડમાં ડોરસેટ નામની કાઉન્ટીના પૂલ – Poole નામના બંદરની સામે Brown Sea – બ્રાઉન સી નામનો એક ટાપુ.

લોર્ડ બેડન-પોવેલને છોકરાઓને શિસ્તપાલન અને સ્વાવલંબન શીખવાડવાનો વિચાર દક્ષિણ આફ્રિકામાં આવ્યો હતો, જ્યારે તે Lt. General તરીકે Mafeking નામના ગામને બ્રિટિશ રાજ્યના તાબા હેઠળ લેવા માટે ફતેહમંદ થયા હતા. પોતાની આ ઝુંબેશમાં મદદરૂપ થવા માટે એમણે યુવાન છોકરાઓને કામમાં લીધા હતા. આ છોકરાઓની કાર્યનિષ્ઠા અને ઉત્સાહ જોઈને ભવિષ્યમાં બ્રિટનમાં આવું કોઈ સંગઠન સ્થાપવાનો વિચાર તેમને સ્ફૂર્યો હતો.

એ વિચારને એક પ્રયોગરૂપે અમલમાં મૂકવા માટે ૧૦ છોકરા ગ્રામર સ્કૂલોમાંથી અને ૧૦ છોકરા સાધારણ સ્કૂલોમાંથી એકઠા કરી બ્રાઉન સી આયલેન્ડ પર તેમણે એક કેમ્પ ગોઠવ્યો. આ ટાપુ એમના પ્રયોગ માટે આદર્શ જગા હતી, કેમકે ટાપુની લંબાઈ ફક્ત ૨.૪ કિલોમીટર અને પહોળાઈ ૧ કિલોમીટર છે. વળી, મુખ્ય શહેરથી દૂર હોવાના લીધે છાપાંવાળાંની અડચણ નડવાની નહોતી. તે ઉપરાંત ત્યાં તરેહતરેહનાં પક્ષીઓ, મોર, હરણ અને બ્રિટનની મૂળભૂત લાલ રંગની ખિસકોલીઓનો વાસ છે. આમ, પ્રકૃત્તિની વચ્ચે નૈસર્ગિક વાતાવરણમાં એમના કેમ્પ માટે આ આદર્શ સ્થળ હતું અને વળી સોનામાં સુગંધની જેમ ટાપુના માલિકની પૂરેપૂરી સંમતિ અને સહકાર પણ તેમને મળ્યાં.

૧ – ૮ ઓગસ્ટ ૧૯૦૭ ના સમયગાળા દરમિયાન આ કેમ્પ ચાલુ રહ્યો.

કેમ્પનો કાર્યક્રમ આ પ્રમાણે હતો:

દિવસ ૧ – છોકરાઓની નાના patrolsમાં વહેંચણી, દરેક patrol  માટે એક leader ની નિમણૂંક અને અઠવાડિયાની પ્રવૃત્તિઓની જાણકારી.

દિવસ ૨ – કેમ્પમાં રહેવા માટે જરૂરી પ્રવૃત્તિઓ, જેવી કે – ટાપુ પરથી એકઠી કરેલી સામગ્રીથી ઝુંપડીનું ચણતર અને સાદડીની ગૂંથવણી, જુદા જુદા પ્રકારની ગાંઠો, રાંધણકળા, આગ કેમ ઓલવવી, આરોગ્ય અને ચોખાઈ સંબંધી બાબતો, સહનશીલતા વગેરે.

દિવસ ૩ – નિહાળવાની કળા – ટાપુ પર ફરી ને નાની મોટી અવનવી વસ્તુઓ જોઈ ને તેની નોંધની મનોમન યાદગીરી.

દિવસ ૪ – પશુ, પક્ષી, ઝાડપાન, આભના તારા, વગેરેને સૂક્ષ્મતાથી જોવાની આવડત, લોકોની રહેણીકરણી વિશે જાણી તેમનાં પ્રત્યેની હમદર્દીની કેળવણી.

દિવસ ૫ – બહાદૂરીના જુદાં જુદાં પાસાંની જાગૃતિ, રાજા અને દેશ પ્રત્યેની વફાદારી, સ્ત્રી સન્માન, દાન અને કરકસર, અને દરરોજ એક ભલું કાર્ય કરવાની ક્ષમતા.

દિવસ ૬ – જુદા જુદા અનિવાર્ય સંજોગોમાં માનવ અને બીજાં પ્રાણીઓના જીવ કેવી રીતે બચાવવા, પ્રાથમિક સારવાર વગેરે.

દિવસ ૭- દેશભક્તિ – બ્રિટિશ વસાહતોનો ભૂગોળ અને ઈતિહાસ, રાષ્ટ્રીય નૌકાદળ અને લશ્કર વિશે જાણકારી, નાગરિક તરીકેની ફરજ, પોલિસને કેવી રીતે મદદરૂપ થવું, વગેરે.

દિવસ ૮ – રમતગમત; અઠવાડિયા દરમિયાન શીખેલી પ્રવૃત્તિઓને અનુલક્ષી રમતોમાં ભાગ અને હરીફાઈ.

આઠ દિવસના આ કેમ્પના વિસર્જન પછી લોર્ડ બેડન-પોવેલ લખે છે: ‘આ કિશોરોના ઉત્સાહભર્યા પ્રયાસ માટે હું તૈયાર હતો છતાં પણ, તેમના ચારિત્ર્ય પર પડેલી અસર, થોડા દિવસોના જ ગાળા દરમિયાન અમે કરેલાં કામમાં જે રીતે છતી થતી હતી તે જોઈ હું ખરેખર અચંબો પામ્યો હતો.’ એ આગળ લખે છે : ‘આ ફક્ત મારો પોતાનો જ અનુભવ ન હતો, પણ છોકરાઓએ અને તેમનાં માતાપિતાઓએ પણ પત્રો દ્વારા આ જ અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.’

સાધારણ મજૂર વર્ગના એક છોકરાએ લખ્યું હતું: ‘અમારામાંના ઘણા છોકરાઓએ શીખવા જેવી સૌથી મહત્વપૂર્ણ વાત તો એ છે કેસંજોગોને હકારાત્મક દ્રષ્ટિએ જોઈ અને જે રીત સરળ હોય તે અપનાવીને કામ કરવું. મારા માટે મારા રોજીંદા જીવનમાં મદદરૂપ થતો આ એક મોટો પાઠ છે, જે માટે તમારો આભાર માનવા માટે મારી પાસે પૂરતા શબ્દો નથી.’

છે ને જીવનના ઘડતર માટે જરૂરી અને વિચારપ્રેરક વાત? ‘થીંકીંગ ડે’ એ અર્થમાં ઘણી સાર્થક ઉજવણી બની શકે, જો આપણે આ પ્રવૃત્તિ, આ આંદોલન વિશે વિચારીએ, એમાં ભાગ લેવા બાળકોને પ્રોત્સાહિત કરીએ.

  • ભદ્રા વડગામા (લંડન)