થિયેટરોમાં પસંદ-કરાયેલી ‘મેજર’ ફિલ્મ હવે OTT પર

મુંબઈઃ દર્શકો અને વિવેચકોની વાહ-વાહ મેળવનાર ફિલ્મ ‘મેજર’ 3 જુલાઈએ OTT પર રિલીઝ થશે. શહીદ મેજર સંદીપ ઉન્નીકૃષ્ણનના જીવન પર આધારિત આ ફિલ્મ 3 જુલાઈએ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. આ ફિલ્મની પટકથા દક્ષિણની ફિલ્મોના અભિનેતા અદિવી સેષે લખી છે અને એણે જ શિર્ષક ભૂમિકા નિભાવી છે. સેષનું કહેવું છે કે ‘મેજર’ ફિલ્મને થિયેટરોના દર્શકો તરફથી સરસ પ્રતિસાદ મળ્યો છે અને હવે અમને આશા છે કે OTT ઉપર જ લોકો એને એટલી જ પસંદ કરશે.’

2008ની 26 નવેમ્બરે મુંબઈમાં કરાયેલા આતંકવાદી હુમલાઓ વખતે હાથ ધરવામાં આવેલી કમાન્ડો કાર્યવાહી વખતે આતંકવાદીઓ સાથે લડતાં મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન શહીદ થયા હતા. શશી કિરન ટિક્કા દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘મેજર’માં સઈ માંજરેકર, સોભિતા ધુલિપાલા, પ્રકાશ રાજ, રેવતી, મુરલી શર્મા પણ મહત્ત્વની ભૂમિકામાં છે.