મુંબઈઃ ‘ઈશ્ક વિશ્ક’, ‘મસ્તી’, ‘શિખર’, ‘વિવાહ’, ‘જોલી એલએલબી’, ‘સિંઘ સાબ ધ ગ્રેટ’, ‘સત્યાગ્રહ’ જેવી હિન્દી ફિલ્મો અને અમુક તેલુગુ ફિલ્મોમાં ચમકી ગયેલી અભિનેત્રી અમ્રિતા રાવે તેનાં ભાડૂતો પાસેથી માર્ચથી જુલાઈ મહિનાઓ સુધીનું ભાડું જતું કરવાનો નિર્ણય લીધો છે. અમ્રિતા મુંબઈમાં જન્મી છે અને અહીં જ ઉછરી છે.
અમ્રિતાનું કહેવું છે કે તેના ભાડૂતો કોરોના વાઈરસને કારણે લોકડાઉનમાં ફસાઈ ગયા છે અને આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા છે તેથી પોતે એમની પાસેથી પાંચ મહિનાનું ભાડું નહીં લે.
અમ્રિતા છેલ્લે ‘ઠાકરે’ ફિલ્મમાં જોવા મળી હતી. એમાં તેણે શિવસેનાના સ્થાપક પ્રમુખ સ્વ. બાલ ઠાકરેના પત્ની મીનાતાઈ ઠાકરેનો રોલ કર્યો હતો. ઠાકરેનો રોલ નવાઝુદ્દીન સિદ્દિકીએ કર્યો હતો.
અમ્રિતાનું કહેવું છે કે, મારા અમુક ભાડૂતો અભિનય અને સિનેમેટોગ્રાફી જેવા ફ્રીલાન્સ વ્યવસાયોમાં છે. આવા વ્યવસાયોમાં માસિક આવકની કોઈ ગેરન્ટી હોતી નથી. કોરોના વાઈરસની બીમારી આપણા સહુ માટે ગંભીર છે. મારા ભાડૂતોએ એમના પરિવારજનો સાથે ઘરમાં જ સુરક્ષિત રહેવાનું પસંદ કર્યું છે. આ પરિસ્થિતિને સમજીને મારે એમને મારાથી શ્રેષ્ઠ રીતે મદદરૂપ થવું જોઈએ એવું મારું માનવું છે.
અમ્રિતાએ જોકે એમ પણ કહ્યું છે કે જે ભાડૂતો ભાડાના ફ્લેટ્સમાં રહેતા હોય અને જેમની નોકરીઓ છૂટી ગઈ ન હોય, એમણે ભાડું ચૂકવવામાંથી છટકી જવા લોકડાઉનને હાથો બનાવવો ન જોઈએ અને એમના માલિકોને બિનજરૂરી રીતે પરેશાન કરવા ન જોઈએ. આજકાલ લોકડાઉનમાં આવું દૂષણ ખૂબ વધી રહ્યું છે.
અમ્રિતા જાણીતા રેડિયો જોકી RJ અનમોલને પરણી છે.