એક્ટર ઈમરાનખાન, પત્ની અવંતિકા છૂટાછેડા લેવા મક્કમ

મુંબઈઃ બોલીવુડ અભિનેતા આમિર ખાનનો ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાન અને તેની પત્ની અવંતિકા મલિકનાં લગ્નજીવનમાં ભંગાણ પડ્યું છે. અહેવાલ મુજબ, બંને જણ સુલેહ કરવા માગતાં નથી અને ટૂંક સમયમાં જ તેઓ છૂટાછેડા લે એવી ધારણા છે. જોકે બંનેમાંથી કોઈએ હજી સુધી ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી નથી કરી. બંનેનાં લગ્ન 2011માં થયા હતા. 8 વર્ષ બાદ, 2019માં એમની વચ્ચે અણબનાવ થયો હતો અને ત્યારથી બંને જણ અલગ રહે છે. એમને સાત વર્ષની એક પુત્રી છે – ઈમારા.

ઈમરાનનું ઘર છોડ્યા બાદ અવંતિકા તેની પુત્રીની સાથે તેની માતા પાસે પાછી જતી રહી હતી અને ત્યારથી ત્યાં જ રહે છે. ઈમરાન ખાને 2008માં ‘જાને તૂ યા જાને ના’ ફિલ્મ સાથે બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. હવે તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પુનરાગમન કરવાનો છે, પરંતુ અભિનેતા તરીકે નહીં, પરંતુ દિગ્દર્શક તરીકે. તે નિર્માત્રી એક્તા કપૂર માટે એક ફિલ્મ બનાવી રહ્યો છે. અભિનેતા તરીકે ઈમરાનની છેલ્લી ફિલ્મ 2015માં આવી હતી – ‘કટ્ટી બટ્ટી’, જેમાં તેની હિરોઈન કંગના રણોત હતી. ઉલ્લેખનીય છે કે, ઈમરાનના મામા આમિર ખાને ગયા વર્ષે કિરણ રાવથી છૂટાછેડા લઈ લીધા છે. બંનેએ 15 વર્ષના લગ્નજીવનનો અંત લાવી દેવાનો નિર્ણય લીધો હતો. એમને એક પુત્ર છે – આઝાદ.

અમેરિકામાં જન્મેલા ઈમરાન ખાનના પિતા બંગાળી હિન્દુ છે – અનિલ પાલ (સોફ્ટવેર એન્જિનીયર) અને માતા મુસ્લિમ છે – નુઝાત ખાન (સાઈકોલોજિસ્ટ). ઈમરાન ખાન દોઢ વર્ષનો જ હતો ત્યારે જ એના માતા-પિતાએ છૂટાછેડા લઈ લીધા હતા. ત્યારબાદ નુઝાત ખાન (દિગ્દર્શક મન્સુર ખાનનાં બહેન, આમિર ખાનનાં ફઈબા) ઈમરાનને લઈને મુંબઈ આવ્યાં હતાં. બાદમાં નુઝાતે અભિનેતા રાજ ઝુત્સી સાથે બીજા લગ્ન કર્યાં હતાં, પણ 2006માં એની સાથે પણ છૂટાછેડા લઈ લીધાં હતાં. માતાએ પોતાનો ઉછેર કર્યો હોવાથી ઈમરાને પોતાના નામની સાથે ખાન લખવાનું પસંદ કર્યું છે. ઈમરાન સામાજિક કાર્યકર પણ છે અને PETA સંસ્થાનો સમર્થક છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]