ડ્રગ્સ કેસમાં અભિનેતા એજાઝ ખાનની અટકાયત

મુંબઈઃ સુશાંતસિંહ રાજપૂતના ભેદી મૃત્યુને પગલે હિન્દી ફિલ્મ જગતમાં કેફી દ્રવ્યોના વેપાર, સેવનનું કૌભાંડ બહાર આવ્યા બાદ કેન્દ્રીય તપાસ એજન્સી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)એ સપાટો બોલાવ્યો છે અને બોલીવૂડના અનેક સિતારાઓને અટકાયતમાં લઈને પૂછપરછ કરી છે. આજે તેના અધિકારીઓએ એજાઝ ખાન નામના ટીવી અભિનેતાને મુંબઈ એરપોર્ટ પરથી અટકાયતમાં લીધો હતો. તેઓ એજાઝને દક્ષિણ મુંબઈસ્થિત એનસીબીના કાર્યાલય ખાતે લઈ ગયા હતા, જ્યાં એની પૂછપરછ શરૂ કરાઈ છે. એજાઝ ખાન ‘સી’-ગ્રેડનો અભિનેતા ગણાય છે. એ ‘બિગ બોસ’ ટીવી શોની 7મી સીઝનમાં જોવા મળ્યો હતો. એનસીબીના અધિકારીઓએ શાદાબ બટાટા નામના ડ્રગ્સના દાણચોરને પકડ્યો છે અને તેણે જ એજાઝ ખાન પોતાની ટોળકીનો એક સભ્ય હોવાનું તપાસનીશ અધિકારીઓને કહ્યું હોવાનું મનાય છે.

એનસીબીના અધિકારીઓએ મુંબઈમાં આજે બે સ્થળે દરોડા પાડ્યા છે. તેમણે અંધેરી (વેસ્ટ)ના લોખંડવાલા કોમ્પલેક્સમાં એજાઝ ખાનના નિવાસસ્થાને દરોડા પાડ્યા હોવાનો અહેવાલ છે. એજાઝ ખાન રાજસ્થાનમાં હતો અને આજે મુંબઈ આવી પહોંચ્યો કે તરત એરપોર્ટ પર જ એને અટકાયતમાં લેવામાં આવ્યો હતો.