ફિલ્મફેર એવોર્ડ્સઃ ‘થપ્પડ’ ફિલ્મે જીત્યા 7 એવોર્ડ

મુંબઈઃ 66મા ફિલ્મફેર એવોર્ડ્સનું શનિવારે અહીં ગોરેગાંવ સ્થિત ફિલ્મસિટીમાં આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં થપ્પડ ફિલ્મ કુલ સાત એવોર્ડ જીતીને છવાઈ ગઈ હતી. અનુભવ સિન્હા દ્વારા દિગ્દર્શિત ‘થપ્પડ’ ફિલ્મે આ સાત એવોર્ડ જીત્યા છેઃ શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ અભિનેત્રી (તાપસી પન્નૂ), શ્રેષ્ઠ વાર્તા (અનુભવ સિન્હા અને મૃણમયી લાગુ), શ્રેષ્ઠ ગાયક (રાઘવ ચૈતન્ય – એક ટૂકડા ધૂપ), શ્રેષ્ઠ સાઉન્ડ ડિઝાઈન (કામોદ ખરાડે), શ્રેષ્ઠ એડિટીંગ (યશ પુષ્પ રામચંદાની) અને શ્રેષ્ઠ બેકગ્રાઉન્ડ મ્યુઝિક (મંગેશ ઉર્મિલા ધાકડે). અનુભવ સિન્હાએ હેટ-ટ્રિક કરી છે. 2019માં એમની ફિલ્મ ‘મુલ્ક’ને શ્રેષ્ઠ ફિલ્મનો ફિલ્મફેર એવોર્ડ આપવામાં આવ્યો હતો, 2020માં ‘આર્ટિકલ 15’ અને હવે ‘થપ્પડ’ને.

શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ સ્વ. ઈરફાન ખાનને મરણોત્તર આપવામાં આવ્યો છે – ‘અંગ્રેજી મિડિયમ’ ફિલ્મમાં કરેલી એક્ટિંગ માટે. સ્વ. ઈરફાનને ખાનને ‘લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ’ પણ આપવામાં આવ્યો હતો. અમિતાભ બચ્ચનને શ્રેષ્ઠ અભિનેતા (ક્રિટીક્સ) એવોર્ડ આપવામાં આવ્યો છે – ‘ગુલાબો સિતાબો’ ફિલ્મમાં કરેલી એક્ટિંગ બદલ. ‘ગુલાબો સિતાબો’ ફિલ્મે કુલ છ એવોર્ડ જીત્યા હતા. એના અન્ય પાંચ એવોર્ડ છેઃ શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી ફરોખ જાફર, શ્રેષ્ઠ સંવાદ (જુહી ચતુર્વેદી), શ્રેષ્ઠ પ્રોડક્શન ડિઝાઈન (માનસી ધ્રૂવ મહેતા), શ્રેષ્ઠ વેશભૂષા (વીરા કપૂર) અને શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી (અવિક મુખોપાધ્યાય). શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ ઓમ રાઉતે જીત્યો હતો – ‘તાન્હાજી’ ફિલ્મ માટે. સૈફ અલી ખાનને ‘તાન્હાજી’ ફિલ્મમાં કરેલી ભૂમિકા બદલ શ્રેષ્ઠ સહાયક અભિનેતા એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. કાર્યક્રમનું સંચાલન રીતેષ દેશમુખ, રાજકુમાર રાવ અને મનીષ પૌલે કર્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]