પશ્ચિમ બંગાળ પર બની રહેલી ફિલ્મનો ભારે વિવાદ

કોલકાતાઃ સનોજ મિશ્રના ડિરેક્શનમાં બની રહેલી આ ફિલ્મ બંગાળની રાજકીય સ્થિતિના પરદે ધૂમ મચાવી રહી છે. જોકે આ ફિલ્મનું શૂટિંગ હજી પૂરું નથી થયું, પરંતુ એનું ટ્રેલર અત્યારથી રાજકીય ઘમસાણ મચાવી રહ્યું છે. કોલકાતામાં ફિલ્મના ડિરેક્ટરની વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. એમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે આ ફિલ્મ દ્વારા બંગાળની છબિને અને સાંપ્રદાયિક સદભાવને નષ્ટ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. એ આધારે ડિરેક્ટરને સમન્સ મોકલવામાં આવ્યા છે.

આ ટ્રેલરના પ્રારંભમાં ડિરેક્ટરે અલ્પસંખ્યકોના તુષ્ટિકરણના રાજકારણનો સંકેત આપ્યો છે. પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી બંગાળમાં નાગરિકતા અધિનિયમ (CAA) અને નેશનલ રજિસ્ટર ઓફ સિટિજન્સ (NRC) લાગુ નહીં થવા દેવાની વાત કહે છે. આ ફિલ્મના ટ્રેલરમાં તેમનું એ ભાષણ મુખ્ય મંત્રીની ભૂમિકા ભજવતા પાત્ર દ્વારા આપવામાં આવ્યું છે.આ ટ્રેલરમાં બંગાળને બીજું કાશ્મીર બતાવવામાં આવ્યું છે. એમાં મમતાનું નામ વિધાનસભાની ચૂંટણીના સમયે ચર્ચિત થનારા ‘ખેલા હોબે’ સૂત્રની ગુંજ સંભળાય છે. રોહિંગ્યા મુસલમાન બંગલાદેશની કાંટાળી તારોને પાર કરીને પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કરી રહ્યા છે. તેમને કારણે એક વર્ગના લોકો અહીં બેઘર થઈ ગયા છે. સરકાર એ બહુસંખ્યક સંપ્રદાયની સામે થતી હિંસાને અટકાવવા માટે કોઈ પગલાં નથી લેતી.

TMCની ફિલ્મને પ્રતિબંધ કરવાની માગ

બે મિનિટ અને 12 સેકન્ડના ટ્રેલરને આશરે નવ લાખ લોકો જોઈ ચૂક્યા છે. તૃણમૂલ કોંગ્રેસના પ્રવક્તા કુણાલ ઘોષ સવાલ કરે છે કે જો એ બંગાળની ડાયરી છે, એમાં કન્યાશ્રી વગેરે યોજનાઓનો ઉલ્લેખ કેમ નથી? CPMની મદદથી ભાજપ એક ખોટો રાજકીય દુષ્પ્રચાર કરી રહી છે. અમે એના પ્રતિબંધ મૂકવાની માગ કરીએ છીએ.

ભાજપનો સરકાર પર આરોપ

ભાજપના પ્રવક્તા શમિક ભટ્ટાચાર્ય કહે છે કે આ ટ્રેલરની સામે FIR નોંધવાથી એ સ્પષ્ટ છે કે મમતા સરકાર નથી ઇચ્છતી કે હકીકત સામે આવે છે. આ સાથે ફિલ્મના ડિરેક્ટરે તેમના જાનનું જોખમ હોવાનું જણાવતા દાવો કર્યો હતો કે તેમની હત્યા થવાની શક્યતા છે.