નેતાજી સુભાષબાબુના પૌત્ર ચંદ્રકુમાર બોઝે રણદીપ હુડાની ઝાટકણી કાઢી

કોલકાતાઃ બોલીવુડ અભિનેતા-દિગ્દર્શક રણદીપ હુડાએ એની આગામી નવી ફિલ્મ સ્વાતંત્ર્ય વીર સાવરકરનું ટીઝર સ્વાતંત્ર્ય સેનાની વિનાયક સાવરકરની 140મી જન્મજયંતિના દિવસ, 28 મેએ શેર કર્યું હતું.

દિગ્દર્શક તરીકે હુડાની આ પહેલી જ ફિલ્મ છે, જે આ વર્ષમાં રિલીઝ થવાની છે. ફિલ્મના ટીઝર સાથે હુડાએ વીર સાવરકરને ‘બ્રિટિશ સરકાર દ્વારા મોસ્ટ વોન્ટેડ ભારતીય’ તરીકે ઓળખાવ્યા હતા. એણે વધુમાં લખ્યું હતું કે, ‘નેતાજી સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ અને ખુદીરામ બોઝ જેવા ક્રાંતિકારીઓના પ્રેરણામૂર્તિ હતા.’

પરંતુ, અન્ય સ્વાતંત્ર્ય સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝના ભત્રીજા-પૌત્ર ચંદ્રકુમાર બોઝે હુડાના દાવાને નકામો ગણાવ્યો છે અને નિર્માતાઓને કહ્યું છે કે તેઓ આ ફિલ્મમાં આઝાદીના ઈતિહાસના સ્વરૂપને વિકૃત ન બનાવે.

ચંદ્રકુમારે એમના ટ્વિટર હેન્ડલ પર હુડાના ટ્વીટને શેર કરીને તેની નીચે લખ્યું છે કે, ‘માફ કરજો, ભારતના મોસ્ટ વોન્ટેડ નેતા અને આઝાદીના લડવૈયા નેતાજી સુભાષચંદ્ર બોઝ હતા. અગ્રિમ મોરચાના તેઓ જ એકમાત્ર નેતા હતા જેમની સામે શૂટ એટ સાઈટ ઓર્ડર અપાયા હતા અને એમણે 1945ની 18મી ઓગસ્ટે દેશની આઝાદી માટે પોતાના જાનનું બલિદાન આપ્યું હતું. જો તમે સાવરકરનો આદર કરતા હો તો મહેરબાની કરીને ઈતિહાસને વિકૃત ન બનાવો.’

ચંદ્રકુમારે એક દૈનિકને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે, ‘સાવરકર મહાન વ્યક્તિત્વ હતા. સ્વાતંત્ર્ય સેનાની હતા, પણ સાવરકરની વિચારધારા અને નેતાજી સુભાષચંદ્રની વિચારધારા તદ્દન વિરુદ્ધ દિશાની હતી. તેથી નેતાજી સાવરકરના સિદ્ધાંતો અને વિચારધારાને અપનાવે એવું કોઈ કારણ જ નથી.’