મુંબઈઃ દેશમાં કોરોના વાઇરસને પગલે ગઈ 25 માર્ચથી લોકડાઉન કરવામાં આવ્યું છે. જોકે ગઈ પહેલી જૂનથી એને તબક્કાવાર ઉઠાવી લેવાનો પ્રારંભ પણ કરાયો છે. તેમ છતાં સિનેમા હોલ કે મલ્ટિપ્લેક્સ હજી પણ ખોલવામાં નથી આવ્યા. ત્યારે ઓનલાઇન ટિકિટિંગ વેબસાઇટ ‘બુકમાયશો’ દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણ પરથી જાણવા મળ્યું છે કે 54.54 ટકા ભારતીય એન્ટરટેઇનમેન્ટ ગ્રાહકો (દર્શકો) ઈચ્છે છે કે લોકડાઉન સંપૂર્ણ રીતે ઉઠાવી લેવાય તે પછીના 15-90 દિવસમાં તેઓ ફિલ્મ જોવા માટે સિનેમા હોલ અથવા મલ્ટિપ્લેક્સમાં જશે. બાકીના ગ્રાહકોએ કહ્યું કે તેઓ રાહ જોશે અને 90 દિવસ પછી સિનેમા હોલમાં જઈને ફિલ્મ જોવાનું પસંદ કરશે.
‘બેક ટુ આઉટ-ઓફ-હોમ એન્ટરટેઇનમેન્ટ’ શીર્ષકવાળા સર્વેમાં 4000 ઉત્તરદાતાઓએ ભાગ લીધો હતો. આ લોકો ‘બુકમાયશો’ના સક્રિય યૂઝર્સ છે. આ સર્વે ગયા મહિને હાથ ધરવામાં આવ્યો હતો. એમાં ભાગ લેનારાઓની વય 18થી 30 વર્ષની વચ્ચેની હતી.
આ સર્વેમાં ભાગ લેનાર 70 ટકા ઉત્તરદાતાઓ મુંબઈ, હૈદરાબાદ, બેંગલોર, દિલ્હી NCR, ચેન્નઈ, પુણે, કોલકાતા, અમદાવાદ, વિજયવાડા અને કોચીના હતા. એમાંના 49 ટકા ગ્રાહકોએ જવાબ આપ્યો હતો અને તેમની વય 25થી 34 વર્ષની વચ્ચેની છે.
98 ટકા લોકો સુરક્ષિત પગલાંનું પાલન કરવા તૈયાર
આ સર્વેમાં જણાવ્યા અનુસાર 98 ટકા દર્શકોએ કહ્યું કે ફિલ્મ જોવા માટે સિનેમા હોલમાં સલામતીને લગતાં પગલાંઓનું તેઓ પાલન કરશે અને ઉચ્ચ સ્તરની સ્વચ્છતા પણ જાળવશે. આ સર્વેમાં એ પણ બહાર આવ્યું હતું કે મહિલાઓ કરતાં પુરુષ ઉત્તરદાતાઓ મૂવી જોવા વધારે ઉત્સુક છે.
દક્ષિણ ભારતના લોકો સિનેમા હોલમાં જવા અધીરા
દેશના અન્ય પ્રદેશોના લોકોની સરખામણીમાં દક્ષિણ ભારતમાં લોકો થિયેટરમાં જઈને મૂવી જોવાનું વધારે પસંદ કરે છે. દક્ષિણ ભારતના 56 ટકા લોકો લોકડાઉન સંપૂર્ણપણે ઉઠાવી લેવાય તે પછી સિનેમા હોલમાં જવા અધીરા છે.
સિનેમા હોલમાં કર્મચારીઓને સલામતી અને સ્વચ્છતાનાં પગલાંની તાલીમ અપાય એ જરૂરી
આ સર્વેમાં તમામ લોકો ઇચ્છે છે કે સિનેમા હોલમાં કર્મચારીઓને સલામતી અને સ્વચ્છતાનાં પગલાંની તાલીમ આપવામાં આવે અને સિનેમા હોલને ખોલતાં પહેલાં એને સેનેટાઇઝ કરવામાં આવે છે. આ ઉપરાંત થિયેટરોમાં થર્મલ સ્કેનર મૂકવામાં આવે એની પણ દર્શકો તરફેણ કરે છે. 81 ટકા લોકોને નવી ટિકિટની ઓફરો જોઈએ છે, જ્યારે 95 ટકા લોકોને થિયેટરોમાં તાજો અને સુરક્ષિત ખોરાક અને પીણાં મળી રહે એવી વ્યવસ્થા જોઈએ છે.
મોટા ભાગના 90 ટકા ઉત્તરદાતાઓ સિનેમા ઘરોમાં જતી સમયે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવા તૈયાર છે, જ્યારે 10 ટકા દર્શકોને કોરોના વાઇરસનો ચેપ લાગી જવાને કારણે સિનેમા હોલમાં જવાનું હાલપૂરતું પસંદ નથી. જોકે અડધાથી વધુ ઉત્તરદાતાઓને સોશિયલ ડિસ્ટન્સિંગને કારણે હોલમાં બેઠકોની સંખ્યા ઘટે તો ટિકિટોના વધુ પૈસા ખર્ચવા તૈયાર નથી.