રાજ્યમાં 50,788 મથકો પર 4.98 કરોડ મતદારો કરશે મતદાન

અમદાવાદ: ત્રીજા તબક્કામાં 7મી મેના રોજ ગુજરાતની તમામ સીટો માટે ચૂંટણી યોજાવાની છે. ગુજરાતમાં લોકસભાની કુલ 26 બેઠકો છે. જો કે સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર થઈ ગયા છે. ત્યારે હવે 7 મેના રોજ સુરત સિવાય 25 લોકસભા બેઠકો પર મતદાન થશે. ગુજરાત લોકસભા ચૂંટણીમાં આ વખતે કુલ 266 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે.ચૂંટણી અધિકારીઓના જણાવ્યા મુજબ ગુજરાતમાં કુલ 50,788 મતદાન મથકો આવેલા છે. જેના ઉપર 2.56 કરોડ પુરૂષ અને 2.41 કરોડ સ્ત્રી મતદારો નોંધાયેલા છે. જ્યારે 1,534 ત્રીજા લિંગના મતદારો નોંધાયેલા છે. આમ કુલ 4.98 કરોડ વ્યક્તિઓ મતદાન કરશે.જો મતદાન મથકોની વાત કરવામાં આવે તો શહેરી વિસ્તારોમાં 17,275 અને ગ્રામીણ વિસ્તારોમાં 33,513 મતદાન મથકોનો સમાવેશ થાય છે. ઈલેક્શન કમિશનના જણાવ્યા અનુસાર તેમણે રાજ્યમાં લોકસભા ચૂંટણી અને વિધાનસભા પેટાચૂંટણી માટે 50,960 બેલેટ યુનિટ્સ (BU), 49,140 કંટ્રોલ યુનિટ્સ (CUs) અને 49,140 VVPAT તૈનાત કર્યા છે.

 

આમ ઈલેક્શન કમિશન દ્વારા સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જેથી કરીને શાંતિપૂર્ણ માહોલમાં લોકસભાની ચૂંટણી સમાપ્ત થાય.