નવી દિલ્હીઃ EDએ સોમવારે મની લોન્ડરિંગ (PMLA) હેઠળ સન ફાર્મા અને તામિલનાડુ ડ્રગ કંટ્રોલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે જોડાયેલા ચેન્નઈ સ્થિત સાત સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી કોલ્ડ્રિફ (Coldrif) કફ સિરપ કેસની સંદર્ભમાં કરવામાં આવી છે, જેને કારણે મધ્ય પ્રદેશમાં 20થી વધુ બાળકોનાં કિડની ફેલ થવાથી મોત થયાં હતાં.
ગંભીર ખામીઓ ઉજાગર
આ દરોડા તામિલનાડુના વરિષ્ઠ ડ્રગ કંટ્રોલ અધિકારીઓનાં નિવાસસ્થાનો અને ઝેરી સિરપ બનાવનાર કંપની શ્રીસન ફાર્મા સાથે જોડાયેલાં સ્થાનોમાં પાડવામાં આવ્યાં હતાં. જે દવા જીવ બચાવવી જોઈએ, એ જ દવાએ બાળકોના જીવ લીધા હતા. આ ઘટનાએ દેશભરમાં આક્રોશ ફેલાવ્યો છે. એ સાથે જ નિયમનકારી દેખરેખ અને ગુણવત્તા નિયંત્રણમાં ગંભીર ખામીઓ પણ બહાર આવી છે.
શ્રીસન ફાર્માસ્યુટિકલ્સના માલિકની થઈ ચૂકી છે ધરપકડ
. કંપનીના ફાર્માસ્યુટિકલ્સના માલિક રંગનાથનની ગયા અઠવાડિયે મધ્ય પ્રદેશ પોલીસે ધરપકડ કરી હતી અને હાલ તેઓ 10 દિવસની પોલીસ કસ્ટડીમાં છે.
EDના નિશાન પર ડ્રગ કંટ્રોલ ઓફિસના અધિકારીઓ
અધિકારીઓએ જણાવ્યું કે EDની ટીમ તમિલનાડુના ડ્રગ કંટ્રોલ ઓફિસના ઉચ્ચ અધિકારીઓના ઘરોમાં પણ તલાશી લઈ રહી છે. EDની કાર્યવાહીનો મુખ્ય હેતુ એ શોધવાનો છે કે શું આ જાનલેવા કફ સિરપના ઉત્પાદન અને વેચાણમાં ગેરકાયદે નાણાંની લેવડદેવડ થઈ હતી કે મની લોન્ડરિંગ મારફતે કાળાં નાણાં સફેદ બનાવાયાં હતાં. અધિકારીઓના નિવાસસ્થાનો પર દરોડાથી આ પણ સંકેત મળે છે કે નિયમનકારી સંસ્થાઓની સંભવિત મિલીભગતની પણ તપાસ ચાલી રહી છે.
