બેંગલુરુઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (EDએ) બેંગલુરુની કેટલીક ખાનગી કોલેજોમાં આવેલા કથિત ‘એન્જિનિયરિંગ બેઠક બ્લોકિંગ કૌભાંડ’ સંબંધિત મની લોન્ડરિંગ (PMLA)ની તપાસ હેઠળ અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા, આ માહિતી સત્તાવાર સૂત્રોએ આપી છે. BMS કોલેજ ઓફ એન્જિનિયરિંગ, આકાશ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી અને ન્યુ હોરાઇઝન કોલેજ ઓફ એન્જિનિયરિંગ જેવી કોલેજોના કેમ્પસમાં, BMS ટ્રસ્ટીઓ અને તેમના મુખ્ય સાથીદારો ઉપરાંત કેટલાક શૈક્ષણિક સલાહકારો અને એજન્ટોને ત્યાં પણ શોધખોળ કરવામાં આવી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે સંઘીય તપાસ એજન્સી બેંગલુરુ ઝોનલ એકમ મારફતે PMLA હેઠળ તપાસ ચલાવી રહી છે. ED અધિકારીઓએ બુધવારે એન્જિનિયરિંગ સીટ કૌભાંડ સંદર્ભે બેંગલુરુ સહિત કર્ણાટકના લગભગ 18 સ્થળોએ દરોડા અને તપાસ અભિયાન શરૂ કર્યું છે. આ દરોડા બેંગલુરુના એન્જિનિયરિંગ કોલેજોમાં વિદ્યાર્થીઓની સીટો છેતરપિંડીથી રોકવામાં આવેલા ગેરકાયદે પૈસા તપાસનો ભાગ છે.
EDના સર્ચ ઓપરેશનમાં ખાસ કરીને BMS ઈજનેરિંગ કોલેજ, આકાશ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈજનેરિંગ અને અન્ય સંબંધિત આરોપીઓ સાથે જોડાયેલા લોકોને નિશાન બનાવવામાં આવ્યા છે.
આ દરોડાઓ 2024-25ના શૈક્ષણિક વર્ષ દરમિયાન બેંગલુરુમાં બનેલા એન્જિનિયરિંગ સીટ કૌભાંડને લઇને કરવામાં આવ્યા છે, જેમાં 2000થી વધુ સીટો ગેરકાયદે રીતે બ્લોક કરવામાં આવી હતી.
એ પહેલાં, બેંગલુરુના મલ્લેશ્વરમ પોલીસ સ્ટેશને કર્ણાટક એક્ઝામિનેશન ઓથોરિટી (KEA)ના એક કોન્ટ્રેક્ટ કર્મચારી સહિત 12 લોકોને આ મામલે ધરપકડ કરી હતી. તે સમયે અનેક એન્જિનિયરિંગ કોલેજોને નોટિસો પણ આપવામાં આવી હતી.
