ભૂતપૂર્વ મંત્રી પ્રતાપ સિંહના ઘરે EDના દરોડા

જયપુરઃ રાજસ્થાનના ભૂતપૂર્વ ગેહલોત સરકારમાં કેબિનેટ મંત્રી રહેલા પ્રતાપસિંહ ખાચરિયાવાસના જયપુરના સિવિલ લાઈન્સ સ્થિત નિવાસસ્થાને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED) દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. EDની ટીમ હાલમાં કોંગ્રેસ નેતાના ઘરમાં છે અને તપાસ ચલાવી રહી છે. આ દરોડાની પાછળનુમ ખરું કારણ હજુ સુધી બહાર નથી આવ્યું, પણ રાજસ્થાનની રાજધાનીમાં ચાલી રહેલી આ  કાર્યવાહીથી ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસના નેતાઓની અલગ-અલગ પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે.

પ્રાપ્ત માહિતી મુજબ પ્રતાપસિંહ ખાચરિયાવાસ આ મકાનમાં તેમના મોટા ભાઈ કરણસિંહ સાથે રહે છે. EDના દરોડાની જાણ થતાં જ કોંગ્રેસ નેતાના સમર્થકો તેમના ઘરે પહોંચવા માટે રવાના થયા છે.EDની આ કાર્યવાહી ચિટ ફંડ મામલે કરવામાં આવી છે. આ રૂ. 50,000 કરોડના રોકાણ સાથે સંકળાયેલો મામલો છે, જેમાં પ્રતાપસિંહની સંદિગ્ધ ભૂમિકા છે. આ સંબંધમાં પ્રતાપસિંહને અગાઉ પણ EDના સમન્સ મળી ચૂક્યા છે અને હવે તેમના ઘરે દરોડા ચાલી રહ્યા છે.

તેમના નિવાસસ્થાને EDના દરોડા પર કોંગ્રેસ નેતા ખાચરિયાવાસે કહ્યું હતું કે આજે તેઓ અહીં તપાસ અને દરોડા માટે આવ્યા છે, તેઓ એવું કરી શકે છે. હું તેમની સાથે સહયોગ કરી રહ્યો છું. ED પોતાનું કામ કરી રહી છે અને હું મારું કામ કરીશ. મારે એવું માનવું છે કે ભાજપે EDનો ઉપયોગ કરીને રાજકારણ ન કરવું જોઈએ. પ્રતાપસિંહ ખાચરિયાવાસ કોઈથી પણ ડરતો નથી. મને ED તરફથી કોઈ નોટિસ આપવામાં આવી નહોતી. ED સીધા નિવાસસ્થાને દરોડા પાડવા આવી હતી, એમ તેમણે કહ્યું હતું.