નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (EDએ) ગેરકાયદે કોલસા ખનન અને તે સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસોમાં કડક વલણ અપનાવીને શુક્રવારે ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં મોટે પાયે દરોડા પાડવાની કામગીરી હાથ ધરી છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ થઈ રહેલી આ કાર્યવાહીમાં બંને રાજ્યોમાં 40થી વધુ સ્થળોએ તપાસ કરવામાં આવી રહી છે. આ ઓપરેશન કોલસા ચોરી, તસ્કરી અને ગેરકાયદે પરિવહન સંબંધિત મોટા કેસો સાથે જોડાયેલું છે, જેને કારણે સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.
ઝારખંડમાં 18 સ્થળોએ દરોડા
આ કાર્યવાહીની શરૂઆત શુક્રવારની સવારમાં ધનબાદથી થઈ હતી, જ્યાં EDએ કોલસા વેપારી એલ.બી. સિંહના નિવાસ અને તેમની સંબંધિત સંસ્થાઓ પર એકસાથે દરોડા પાડ્યા હતા. દેવ બિલ્ડા વિસ્તારમાં સહિત ધનબાદના આશરે 18 સ્થળોએ EDની ટીમો સક્રિય રહી હતી. એજન્સીને શંકા છે કે આ સ્થળોથી ગેરકાયદે કોલસા ખનન અને તસ્કરી દ્વારા મેળવવામાં આવેલા કાળાં નાણાંનું મોટું નેટવર્ક સંચાલિત થઈ રહ્યું હતું.
અધિકારીઓના જણાવ્યા મુજબ જેમાં કેસોની તપાસ થઈ રહી છે, તેમાં અનિલ ગોયલ, સંજય ઇન્ડસ્ટ્રીઝ, એલ.બી. સિંહ અને અમર મંડલ જોડાયેલા કોલસા તસ્કરીના મોટા નેટવર્કનો સમાવેશ થાય છે. માનવામાં આવે છે કે આ કેસોમાં સંગઠિત રીતે કોલસા ચોરી અને ગેરકાયદે સપ્લાય કરવામાં આવ્યા હતા, જેને કારણે સરકારી ખજાનાને હજ્જારો કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
બંગાળમાં 24 સ્થળોએ કાર્યવાહી
ઝારખંડની સાથે પશ્ચિમ બંગાળના દુર્ગાપુર, પુરુલિયા, હાવડા અને કોલકાતા જિલ્લાઓમાં પણ EDએ આશરે 24 સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ તમામ સ્થળોએ ગેરકાયદે કોલસા ખનન, ગેરકાયદે પરિવહન અને ગેરકાયદે સંગ્રહ સંબંધિત તપાસનો ભાગ છે. અહીં જેમનાં સ્થળોએ શોધખોળ કરવામાં આવી છે તેમાં નરેન્દ્ર ખારકા, અનિલ ગોયલ, યુધિષ્ઠિર ઘોષ, કૃષ્ણ મુરારી કયાલ સહિતનું નામ છે.


