નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને જણાવ્યું હતું કે બિહારની “વિશેષ ગહન પુનરીક્ષણ (SIR)” પ્રક્રિયા બાદ તૈયાર કરવામાં આવેલી અંતિમ મતદાર યાદીમાંથી બહાર કરાયેલા 3.66 લાખ મતદારોની વિગતો કોર્ટમાં રજૂ કરવી જોઈએ. ચૂંટણી પંચે કોર્ટને જણાવ્યું હતું કે ઉમેરાયેલા મોટા ભાગનાં નામ નવા મતદારોના છે અને હજુ સુધી યાદીમાંથી દૂર કરાયેલા કોઈ મતદારે કોઈ ફરિયાદ કે અપીલ દાખલ કરી નથી.
ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચીની ખંડપીઠે કહ્યું હતું કે ચૂંટણી પંચે બહાર કરાયેલા મતદારો અંગે ઉપલબ્ધ બધી માહિતી ગુરુવાર (9 ઓક્ટોબર) સુધી કોર્ટના રેકોર્ડ પર મૂકે, જ્યારે કોર્ટ SIR પ્રક્રિયાને પડકારતી અરજીઓ પર આગળની સુનાવણી કરશે. કોર્ટએ કહ્યું હતું કે દરેક પાસે મતદાર યાદીનો ડ્રાફ્ટ ઉપલબ્ધ છે અને અંતિમ યાદી પણ 30 સપ્ટેમ્બરે પ્રકાશિત થઈ ચૂકી છે, તેથી તુલનાત્મક વિશ્લેષણ દ્વારા જરૂરી આંકડા રજૂ કરી શકાય છે.
ન્યાયમૂર્તિ બાગચીએ ચૂંટણી પંચનો પક્ષ રાખવા હાજર વરિષ્ઠ વકીલ રાકેશ દ્વિવેદીને જણાવ્યું હતું કે ન્યાયાલયના આદેશોથી ચૂંટણીપ્રક્રિયામાં વધુ પારદર્શિતા અને સુલભતા આવી છે. ખંડપીઠે કહ્યું હતું કે અંતિમ યાદીમાં મતદારોની સંખ્યા વધેલી દેખાય છે, તેથી કોઈ ગેરસમજ ટાળવા માટે ઉમેરાયેલા મતદારોની ઓળખ જાહેર કરવી જરૂરી છે.
તેમણે કહ્યું હતું કે તમે અમારાથી સહમત હશો કે ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને સુલભતા સુધરી છે. આંકડાઓ દર્શાવે છે કે તમારા દ્વારા પ્રકાશિત થયેલી ડ્રાફ્ટ યાદીમાં 65 લાખ લોકોનાં નામ કાઢી નાખવામાં આવ્યાં હતાં અને અમે કહ્યું હતું કે જેમનું અવસાન થયું છે અથવા જેમણે સ્થાન બદલી દીધું છે, તે યોગ્ય છે, પરંતુ જો તમે કોઈનું નામ કાઢી રહ્યા છો, તો કૃપા કરીને નિયમ 21 અને SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર)નું પાલન કરો.
