ધોળકા: દિવાળીના ઉત્સવ પછી શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થાય. આ સાથે દરેક પ્રાંત ક્ષેત્રમાં અવનવા મેળા ભરાય. અમદાવાદ જિલ્લાના ધોળકા પાસે આવેલા વૌઠા ગામ નજીક સાત નદીઓનો સંગમ થાય છે. આ નદીના પટ પર જ દિવાળીના પછી તરત જ એક અનોખો મેળો ભરાય છે. એમાં એનું મુખ્ય આકર્ષણ હોય છે..ગદર્ભ એટલે કે ગધેડા. આ વર્ષે અત્યારથી જ વૌઠા ગામની ખુલ્લી જગ્યામાં ઠેર-ઠેર જુદા-જુદા પ્રાંતમાંથી આવેલા ગધેડાની લે વેચ શરૂ થઈ ગઈ છે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને રાજસ્થાનના જુદાં-જુદાં વિસ્તારમાંથી વૌઠામાં ગધેડા લાવવામાં આવે છે. દિવાળી પછી પૂનમ સુધી વૌઠા આખાય ગામમાં મેળાનું જ વાતાવરણ હોય છે. જુદાં-જુદાં પ્રાંતમાંથી આવેલા વિવિધ નસલના ગધેડાના અહીં સોદા થાય છે. હાલારી, દેશી, મારવાડ, ખચ્ચર સહિત અનેક પ્રકારના ગધેડાને ગુલાબી, કેસરી રંગથી સજાવી મેળામાં લે-વેચ માટે લાવવામાં આવે છે.વૌઠાનો મેળો ભરાય છે એ સ્થળે સપ્તસંગમ સાત નદીઓના સંગમ તરીકે ઓળખાય છે. વૌઠા આગળ માત્ર સાબરમતી અને વાત્રક નદી જ મળે છે. આ બે નદીઓને એ અગાઉ સાબરમતી, હાથમતી નદી અને વાત્રકમાં ખારી, મેશ્વો, માઝમ, શેઢી નદીઓ મળે છે. જેના કારણે અહીં સાત નદીઓનો સંગમ થાય છે.એક માન્યતા અનુસાર ગુજરાતના મધ્યમાં આવેલા આ સ્થળનું મહત્વ પુરાણોમાં દર્શાવાયું છે. મહાભારતનું વિરાટનગર જે અત્યારનું ધોળકામાં છે. જ્યાં પાંડવો તેર વર્ષના લાંબા વનવાસ પછીનો અજ્ઞાતવાસ પસાર કરવા માટે રોકાયા એવી માન્યતા છે. વૌઠામાં આવેલા આ મહાદેવના પ્રાચીન મંદિર વિષે પણ ઘણી બધી માન્યતાઓ પ્રવર્તે છે, ભગવાન શંકરના મોટા પુત્ર કાર્તિક સ્વામી જેઓ સમગ્ર પૃથ્વીની પ્રદક્ષિણા કરતા રહે છે. તેઓ કાર્તિક પૂર્ણિમાને દિવસે ભરતા મેળામાં પવિત્ર સ્નાન કરવા માટે આવતા હોય છે. વૌઠામાં આજે પણ કાર્તિકની ચરણપાદુકાનું પૂજન થાય છે.કાર્તિકી પૂર્ણિમા સપ્તસંગમમાં સ્નાન કરવું ખુબ પવિત્ર મનાય છે અને તે દિવસે સ્નાન કરીને લોકો અધ્યાત્મિક આનંદ અનુભવે છે. વૌઠાના આ મેળામાં અનેક નાની-મોટી દુકાનો, મદારી, જાદુગરો, નટ, ભવૈયા, સર્કસ, ચકડોળ વગેરે મનોરંજનના સાધનો હોય છે. રાત્રે ભજન મંડળી ઉપરાંત તાલુકા પંચાયત ધોળકા દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવે છે. ભાલ અને નળકાંઠાના લોકો અહીં પાલ એટલે કે છાવણી નાખી બે-ત્રણ દિવસ માટે રોકાતા હોય છે.જો કે સૌથી મહત્વની વાત મેળાનું મુખ્ય આકર્ષણ ગધેડાનું બજાર છે. અહી સારામાં સારા અને ઊંચી જાતના ગધેડા વેચાણ માટે લાવવામાં આવે છે. ગદર્ભની અનોખી માવજત કરતા લોકો અહીં જોવા મળી છે. અહી ચાર હજાર કરતાં પણ વધુ ગધેડાઓને વેચાણ માટે લઈ આવવામાં આવે છે. આધુનિક યુગમાં વૌઠાના મેળે ગદર્ભની સંખ્યા ઓછી થતી જાય છે. ત્યારે આ પંથકના ગધેડા ખરીદવા આવેલા લોકો કહે છે..’ભાઈ આ વર્ષે તો પચ્ચીસ હજારમાંય ગધેડા નહીં મળતા..હવે તો ગધેડા ય મોંઘા થઈ ગયા છે.!