ટેરિફના કારણે અમેરિકાના લોકોએ આવકવેરો ભરવાની જરૂર નહીં રહે: ટ્રમ્પ

અમેરિકા: પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક ઇન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે અમેરિકાને તેમની નવી ટેરિફ નીતિથી એટલી બધી આવક થશે કે પછી અમેરિકાના લોકોએ આવકવેરો ભરવાની જરૂર જ નહીં રહે. ડોનાલ્ડ ટ્રમ્પે 1800ના દાયકાના અંતના સમયનો હવાલો આપતા કહ્યું કે તે સમયે અમેરિકા ફક્ત ટેરિફ દ્વારા પૈસા કમાતું હતું અને ત્યારે આપણો દેશ વિશ્વનું સૌથી ધનિક રાષ્ટ્ર હતું. જો કે હવે હાલના સમયમાં આ એક એવી તક છે કે આપણે એટલા બધા પૈસા કમાઈ શકીએ છીએ કે તેના બાદ આવકવેરો ચૂકવવાની જરૂર જ નહીં રહે. 

કરનીતિ નક્કી કરવાનો અધિકાર અમેરિકન કોંગ્રેસને 

ઉલ્લેખનીય છે કે આવકવેરામાં કોઈ પણ ફેરફાર ફક્ત અમેરિકન કોંગ્રેસ દ્વારા જ કરી શકાય છે, કારણ કે તેને કર નીતિ બનાવવાનો અધિકાર છે. ટ્રમ્પે કહ્યું કે અમે ટેરિફમાંથી એકત્ર થયેલા નાણાંનો ઉપયોગ ટિપ્સ અને સામાજિક સુરક્ષા પરના કરને નાબૂદ કરવા અને તેમના અન્ય ચૂંટણી વચનોને પૂર્ણ કરવા માટે કરી રહ્યા છે.1880માં બની હતી એક સમિતિ

ટ્રમ્પે દાવો કર્યો કે 1880ના દાયકામાં એક સમિતિ બનાવાઈ હતી જેનું કામ એ હતું કે નક્કી કરે કે ટેરિફથી ભેગા કરેલા પૈસાનું શું કરીએ, કોને આપીએ. 1913માં આ લોકોએ હોંશિયારીપૂર્વક ઈનકમ ટેક્સ સિસ્ટમ લાગુ કરી દીધી. પછી 1931-32માં ફરી ટેરિફ પાછો લાવવા પ્રયાસ કર્યો પણ ત્યાં સુધી મોડું થઇ ગયું હતું. લોકો ગ્રેટ ડિપ્રેશન માટે ટેરિફને દોષ આપે છે. જો કે ડિપ્રેશન તો પહેલા જ આવી ગયું હતું.

ટેરિફથી થતી કેટલી આવક? 

આવક વિશે સવાલ કરવામાં આવતા ટ્રમ્પે કહ્યું કે અમેરિકાએ મારા કાર્યકાળ દરમિયાન દરરોજ બે થી ત્રણ અબજ ડૉલરની કમાણી કરી હતી. અગાઉ ક્યારેય આટલી આવક થઇ નહોતી. આ સેંકડો અબજ ડૉલર વાર્ષિકની વાત છે. હાલમાં મેં આ આવકને અટકાવી દીધી છે કેમ કે આ એક ટ્રાન્ઝિશન છે. થોડીક તો ફ્લેક્સિબિલિટી બતાવવી પડશે.