DK શિવકુમાર ટૂંક સમયમાં CM બનશેઃ કોંગ્રેસ વિધાયક

બેંગલુરુઃ કર્ણાટકમાં કોંગ્રેસ સરકારના નેતૃત્વ ફેરફારને લઈને ચાલી રહેલી રાજકીય હલચલ વધુ તેજ બની છે. ઉપ મુખ્ય મંત્રી DK શિવકુમારને મુખ્ય મંત્રી બનાવવાની માગ સાથે દિલ્હી પહોંચેલા કેટલાક કોંગ્રેસ વિધાયકો મંગળવારે જણાવ્યું હતું કે અંતિમ નિર્ણય પાર્ટી હાઈકમાન્ડ કરશે. રામનગરના વિધાયક ઇકબાલ હુસૈને કહ્યું હતું કે બધા જ લોકો હાઈકમાન્ડના નિર્ણયનું પાલન કરશે, પરંતુ તેમને શિવકુમાર મુખ્ય મંત્રી બનશે તેની પૂરી ખાતરી છે.

રામનગર વિધાયક ઇકબાલ હુસૈને કહ્યું હતું કે હું હંમેશાં મારા આ નિવેદન પર ટકેલો રહીશ. મને 200 ટકા ખાતરી છે કે તેઓ ટૂંક સમયમાં મુખ્ય મંત્રી બનશે. આલાકમાન નિર્ણય કરશે. અમારા નેતા (શિવકુમાર)એ કહ્યું છે એ પ્રમાણે સત્તા હસ્તાંતરણ પાર્ટીના પાંચથી છ નેતાઓ વચ્ચેનો એક ગુપ્ત કરાર છે અને એ પાંચ-છ લોકો જ નિર્ણય કરશે.

મદ્દુરના વિધાયક કે.એમ. ઉદયે જણાવ્યું હતુ કે વિધાયકો હાઈકમાન્ડને કેબિનેટ ફેરબદલ દરમિયાન નવા ચહેરાઓ અને યુવાનોને તક આપવા વિનંતી કરી છે અને તેમને સંકેતો મળ્યા છે કે આ મુદ્દે વિચારણા થઈ રહી છે. કેટલાક વિધાયકોનો કહેવું હતું કે તેમણે હાઈકમાન્ડને મુખ્ય મંત્રીને મુદ્દે ચાલતી ગૂંચવણને જલદી દૂર કરવાની વિનંતી કરી છે, જ્યારે અન્યોએ જણાવ્યું હતું કે તેઓ પ્રસ્તાવિત કેબિનેટ ફેરબદલ દરમિયાન યુવાન અથવા નવા ચહેરાઓને મોકો આપવા માગે છે.

કોંગ્રેસ સરકારનો અડધો કાર્યકાળ પૂરો

કોંગ્રેસ સરકારે 20 નવેમ્બરે પોતાના કાર્યકાળનો અડધો ભાગ પૂર્ણ કર્યો છે, જે પછી સિદ્ધારમૈયા અને શિવકુમાર વચ્ચે વર્ષ 2023માં સત્તા-વહેંચણીના કરાર થયો હોવાનો દાવો કરાયાની ચર્ચા ફરી તેજ બની છે.

કર્ણાટકના ઉપ મુખ્ય મંત્રી શું બોલ્યા?

આ પહેલાં કોંગ્રેસ નેતા અને કર્ણાટકના ઉપ મુખ્ય મંત્રી DK શિવકુમારે મંગળવારે જણાવ્યું હતું કે તેઓ આ મુદ્દે જાહેર ચર્ચા કરવા માગતા નથી. તેમણે તેને પાર્ટીના ચારથી પાંચ લોકો સાથે જોડાયેલી એક ‘સિક્રેટ ડીલ’ ગણાવી. તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ કોંગ્રેસ માટે કોઈ શરમજનક સ્થિતિ ઊભી કરવા માગતા નથી.