ધોરડો બન્યું ‘સોલાર વિલેજ’: વાર્ષિક 16,064 રૂ.નો આર્થિક લાભ થવાનો અંદાજ

કચ્છ: યુનાઇટેડ નેશનલ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન (UNWTO) દ્વારા ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’ તરીકે પ્રતિષ્ઠિત કચ્છના ધોરડો ગામનું 100% સોલરાઇઝેશન કરવામાં આવ્યું છે. 20 સપ્ટેમ્બર, 2025ના રોજ ભાવનગર ખાતે આયોજિત ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મહેસાણાના મોઢેરા, ખેડાના સુખી અને બનાસકાંઠાના મસાલી ગામ બાદ, ધોરડો રાજ્યનું ચોથું સોલાર વિલેજ બન્યું છે.

દરેક ઘરમાં વાર્ષિક 16 હજાર રૂપિયાથી વધુનો લાભ

પ્રધાનમંત્રી સૂર્યઘર મફ્ત વીજળી યોજના હેઠળ ધોરડો ગામના 100% રહેણાંક હેતુના વીજજોડાણોનું સોલરાઇઝેશન કરવામાં આવ્યું. આ કામગીરીના લીધે સોલાર રૂફટોપની રાજ્યની ક્ષમતામાં વધારો થવાની સાથે ધોરડોના રહેણાંક ઘરો પોતાની વીજળી ઉત્પન્ન કરવા માટે સક્ષમ બની રહ્યા છે. આ પ્રોજેક્ટ થકી ધોરડોના 81 રહેણાંક ઘરો માટે 177 કિલોવોટની સોલાર રૂફટોપ કેપેસિટી મળશે. આ પ્રોજેક્ટના કારણે ગામના દરેક વીજ વપરાશકર્તાને વાર્ષિક 16,064 રૂપિયાનો આર્થિક લાભ થવાનો અંદાજ છે. આ પ્રોજેક્ટથી વાર્ષિક 2 લાખ 95 હજાર યુનિટ ઉત્પાદનની સંભાવના છે. આ યોજનાના લીધે ગ્રામજનોને વીજળીના બિલમાં બચત થવાની સાથે વાધારાના યુનિટના લીધ પણ આવક થશે. દર વર્ષે વીજળીમાં બચત અને વધારાના યુનિટના વેચાણથી કુલ 13 લાખ રૂપિયાથી વધુનો લાભ થવાની સંભાવના છે.આ બાબતે ધોરડો ગામના સરપંચ મિંયા હુસેને જણાવ્યું કે, “આ છેવાડાનું ગામ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પ્રયાસોથી આ ગામમાં પહેલાથી ઘણો વિકાસ થયો છે. હવે આખા ગામના ઘરોમાં સોલાર રૂફટોપ લાગવાથી લોકોનું બિલ સાવ ઓછું થઇ જશે અને તેનાથી ગામના લોકોને ઘણો ફાયદો થશે. સરકારની સબસિડી અને બેંકની લોનથી ગામના લોકોને સાવ નહિવત ખર્ચ થયો છે અને આ કામગીરીથી ગામના લોકોમાં અત્યંત ખુશીની લાગણી છે.”