MS ધોની ICC હૉલ ઓફ ફેમમાં સામેલ: આ સન્માન શું છે? કોનો-કોનો સમાવેશ કરાયો?

દુબઈ: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને વિશ્વ પ્રસિદ્ધ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીને ICC (ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ)એ સન્માનિત કર્યા છે. ધોનીને ICC હોલ ઓફ ફેમ 2025માં સામેલ કરવામાં આવ્યા છે. તેઓ આ સન્માન મેળવનારા 11મા ભારતીય ક્રિકેટર છે. ધોનીએ 2004માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યા પછી, 2007માં T20 વર્લ્ડ કપમાં ભારતનું નેતૃત્વ કર્યું અને ટીમને વિજય અપાવ્યો. તેમણે 2011માં ODI વર્લ્ડ કપ અને 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી. ધોનીની કેપ્ટનશીપ હેઠળ, ભારતીય ટીમ 2009માં પહેલીવાર ICC ટેસ્ટ રેન્કિંગમાં ટોચના સ્થાને પહોંચી હતી. તેમણે 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ (WTC Final 2025) ના માત્ર 2 દિવસ પહેલા લંડનમાં એક સમારોહ યોજાયો હતો, જેમાં MS Dhoni સહિત 7 દિગ્ગજ ક્રિકેટરોને હોલ ઓફ ફેમથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ICCએ નિવેદન જાહેર કર્યું

ICC એ આ અંગે જણાવ્યું હતું કે, ‘દબાણમાં શાંત સ્વભાવ અને અજોડ વ્યૂહાત્મક કુશળતા તેમજ ટૂંકા ફોર્મેટમાં અગ્રણી ખેલાડી તરીકે જાણીતા, મહાન ફિનિશર, લીડર અને વિકેટકીપર તરીકે મહેન્દ્ર સિંહ ધોનીના વારસાને ICC ક્રિકેટ હોલ ઓફ ફેમમાં સામેલ કરીને સન્માનિત કરવામાં આવ્યા છે.’

હોલ ઓફ ફેમ 2025માં કોને-કોને સામેલ કરાયા?

ICC એ હોલ ઓફ ફેમ 2025 માં પાંચ પુરુષ અને બે મહિલાઓ સહિત સાત ક્રિકેટરોનો સમાવેશ કર્યો છે. ધોની ઉપરાંત, ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓપનર મેથ્યુ હેડન, દક્ષિણ આફ્રિકાના પૂર્વ બેટર હાશિમ અમલા અને પૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથ, ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન ડેનિયલ વેટોરીને પણ સન્માનિત કરવામાં આવ્યા. આ ઉપરાંત પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ કેપ્ટન સના મીર અને ન્યૂઝીલેન્ડની પૂર્વ ક્રિકેટર સારાહ ટેલરને પણ સામેલ કરવામાં આવ્યા છે.

સન્માન બદલ ધોનીએ શું કહ્યું?

ધોનીએ આ અંગે કહ્યું કે, ‘ICC હોલ ઓફ ફેમમાં નામ મેળવવું એ એક મોટા સન્માનની વાત છે, જે વિવિધ પેઢીઓ અને વિશ્વભરના ક્રિકેટરોના યોગદાનને માન્યતા આપે છે. આવા સર્વકાલીન મહાન ખેલાડીઓ સાથે તમારું નામ હોવું એ એક અદ્ભુત અનુભવ છે. આ એવી વસ્તુ છે જે હું હંમેશા યાદ રાખીશ.’

હોલ ઓફ ફેમ સન્માન શું છે?

ICC હૉલ ઓફ ફેમ એ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા સ્થાપિત એક પ્રતિષ્ઠિત સન્માન છે, જે ક્રિકેટના ઇતિહાસમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનારા ખેલાડીઓને આપવામાં આવે છે. આ સન્માન એવા ખેલાડીઓને આપવામાં આવે છે જેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અસાધારણ પ્રદર્શન કર્યું હોય અને રમત પર નોંધપાત્ર પ્રભાવ પાડ્યો હોય.

ICC હોલ ઓફ ફેમમાં સામેલ ભારતીય ક્રિકેટરોની યાદી

સુનીલ ગાવસ્કર, બિશેન સિંહ બેદી, કપિલ દેવ, અનિલ કુંબલે, રાહુલ દ્રવિડ, સચિન તેંડુલકર, વીનુ માંકડ, ડાયના એડુલજી, વીરેન્દ્ર સેહવાગ, નીતુ ડેવિડ, એમ. એસ. ધોની