વૈદિક હોળીની સામગ્રીની માગ વધી

અમદાવાદ: ફાગણ માસમાં હોલિકા દહનનું પર્વ આવે એટલે હજારો કિલોગ્રામ લાકડાં કપાય. એની સાથે અનેક વસ્તુઓ ભસ્મીભૂત થઇ જાય. પરંતુ એક વૃક્ષનો ઉછેર અને સંવર્ધનમાં ઘણાં વર્ષો નીકળી જાય છે. આ વૃક્ષો બચી રહે પર્યાવરણને પણ નુકસાન ના થાય એ માટે છેલ્લાં કેટલાંક વર્ષોથી વૈદિક હોળીનું મહત્વ સમાજમાં વધતું જાય છે.હવનમાં વપરાતી સામગ્રી, હોળીના છાણાં અને છાણના લાકડાં તૈયાર કરતાં અશોક પટેલ ચિત્રલેખા.કોમને કહે છે, છેલ્લાં કેટલાંક વર્ષોથી લોકોમાં જાગૃતિ આવી છે. એટલે છાણાંની સામગ્રીથી વૈદિક રીતે હોલિકા દહન કરે છે. જેના માટે છાણાં, છાણના લાકડાં, ગાયનું ઘી, ઔષધીય તેલ, છ જાતના ધાન, કપૂર, ગૂગળ અને નારીયેળ જેવી સામગ્રી વૈદિક હોળીમાં લોકો વાપરે છે.

મોટી હોળીના આયોજનોમાં વપરાતાં અઢળક લાકડાં અને અન્ય સામગ્રીથી પ્રદૂષણ ફેલાય છે. જ્યારે વૈદિક હોળીથી એટલે કે છાણાંની નાની હોળીથી વાતાવરણમાં રહેલા ઝેરી બેકટેરિયાનો નાશ થાય છે. વાતાવરણ પવિત્ર થાય છે. એની સાથે વૃક્ષોનો બચાવ થાય છે અને પર્યાવરણને ફાયદો થાય છે. સૌથી મહત્વની વાત એ છે કે વૈદિક હોળીથી વાતાવરણ પવિત્ર થાય છે.

(પ્રજ્ઞેશ વ્યાસ-અમદાવાદ)