DPSના વિદ્યાર્થીઓએ પર્યાવરણ દિવસે કરી વિવિધ પ્રવૃત્તિઓ

અમદાવાદ: વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે દિલ્લી પબ્લિક સ્કૂલ(DPS) બોપલના વિદ્યાર્થીઓ માટે શાળાએ પર્યાવરણ જાગૃતિને પ્રોત્સાહિત કરતી પ્રવૃત્તિઓનું આયોજન કર્યું હતું. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો.

તેઓએ સરળતાથી ઉપલબ્ધ સામગ્રીઓ જેવી કે ક્લે, માટી અને બીજનો ઉપયોગ કરીને સીડ બોલ બનાવ્યા હતા. આ પ્રવૃત્તિએ તેમને પુનઃવનીકરણનું મહત્વ શીખવ્યું હતું.  સિનિયર સ્કૂલના ગ્રીન વોરિયર્સે જમીન પુનઃસંગ્રહ, રણીકરણ અને દુષ્કાળની સ્થિતિ વિષય પર પોસ્ટર બનાવવાની પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો. સાથે જ તેઓએ છોડ દત્તક લઇને તેની સંભાળ રાખવાની ખાતરી આપીને પ્રકૃતિ સંરક્ષણની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

શાળા દ્વારા ઈ-વેસ્ટ રિસાયક્લિંગ પહેલના ભાગરૂપે, વિદ્યાર્થીઓને તેમના બિનઉપયોગી ઈલેક્ટ્રોનિક ઉપકરણો જેવા કે જૂના ફોન, બેટરી અને કોમ્પ્યુટર એકત્ર કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. શાળામાં તેને ખોલીને યોગ્ય નિકાલ અને રિસાયક્લિંગ માટે જમા કરવામાં આવશે. આ પહેલનો ઉદ્દેશ ઈલેક્ટ્રોનિક કચરાના જોખમો વિશે જાગૃતિ ફેલાવી અને સમુદાયને ઈ-વેસ્ટ મેનેજમેન્ટ શીખવવાનો છે.