દિલ્હી-NCRના રસ્તાઓ એક જ વરસાદમાં દરિયા બની ગયા

નવી દિલ્હીઃ દેશભરમાં ચોમાસું સક્રિય થઈ ચૂક્યું છે. એક બાજુ જ્યાં દેશના અનેક ભાગોમાં વરસાદે કહેર મચાવ્યો છે, ત્યાં દિલ્હીવાસીઓ વરસાદની રાહ જોઈ રહ્યા હતા. જોકે બુધવારે દિલ્હીવાસીઓને ઉકળાટભરી ગરમીથી રાહત મળી હતી. બુધવારે સાંજના ત્રણ કલાક અવિરત વરસાદે રાજધાનીની રસ્તાઓને પાણી-પાણી કરી નાખ્યા હતા. દિલ્હીના રસ્તાઓ તળાવમાં ફેરવાઈ ગયા છે. એ સાથે જ લોકોને ભારે ટ્રાફિક જામનો સામનો પણ કરવો પડ્યો. આશ્ચર્યની વાત એ છે કે કેટલાય વિસ્તારોમાં રસ્તાઓ પર ગાડીઓ તરતી નજર આવી. હવામાન વિભાગ અનુસાર દિલ્હીમાં આગામી પાંચ દિવસ સુધી સતત વરસાદની શક્યતા છે.

દિલ્હીને લગતી ગુરુગ્રામના કેટલાક વિસ્તારોમાં પણ સતત વરસાદ પડી રહ્યો છે. ગુરુગ્રામના અનેક વિસ્તારોમાં અવિરત વરસાદ અને પાણી ભરાવાને કારણે યાતાયાત વ્યવસ્થા પર અસર પડી છે, ત્યાં ભારે ટ્રાફિક જામ છે. વાહનો કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાયેલા રહ્યા. ગુરુગ્રામમાં અવિરત ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં ગંભીર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. વાહનો પાણીમાં ફસાઈ ગયાં, જેને પાછળથી ધક્કો મારીને બહાર કાઢવા પડ્યાં હતાં.

NCRનાં અન્ય શહેરોની સ્થિતિ પણ અલગ નહોતી. ગુરુગ્રામમાં અનેક રસ્તાઓ પર પાણી ભરાવાથી ટ્રાફિક ધીમો પડી ગયો છે. એમજી રોડ, સોહના રોડ, સિગ્નેચર ટાવર અને IFFCO ચોક જેવા વ્યસ્ત વિસ્તારોમાં વાહનો અટવાયેલા જોવા મળ્યા. સુભાષ ચોક વિસ્તારમાં રસ્તા પર ભરાયેલા પાણીમાં એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ. તે જ રીતે ઘણા વિસ્તારોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયું. એવું જ દ્રશ્ય નોઈડામાં પણ જોવા મળ્યું, ગાજિયાબાદ અને સોનીપતમાં પણ અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ રહ્યા.