દિલ્હી: રાજધાનીમાં વિધાનસભા ચૂંટણી માટે પાંચમી ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. જે બાદ તમામ બેઠકો પર આજે પરિણામ આવી રહ્યા છે. મતગણતરી કેન્દ્રોની બહાર ત્રિ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 11 જિલ્લાના કુલ 19 કેન્દ્રો પર ગણતરી શરૂ થઈ છે. પ્રારંભિક વલણોમાં ભાજપ લીડ કરી રહ્યું છે. બીજી તરફ આપ પણ આકરી ટક્કર આપી રહ્યું છે. કોંગ્રેસે એક બેઠક પર લીડ મેળવી છે. બધાની નજર તેના પર છે કે શું અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટી (AAP) સતત ત્રીજી વખત જીતશે કે પછી ભાજપ રાજધાનીમાં 27 વર્ષના સત્તાના દુષ્કાળનો અંત લાવશે. તો, કોંગ્રેસ, જે છેલ્લી બે ચૂંટણીઓમાં એક પણ બેઠક જીતી શકી નથી, તેને પણ આ ઇલેક્શનમાં ખાતું ખોલવાની અપેક્ષા છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પોસ્ટલ બેલેટની ગણતરી પૂર્ણ થઈ ગઈ છે. હવે EVMની ગણતરી ચાલી રહી છે. વલણોમાં, ભાજપ 44 બેઠકો પર આગળ છે અને આમ આદમી પાર્ટી (AAP) 25 બેઠકો પર આગળ છે. કોંગ્રેસ 1 બેઠક પર આગળ છે. તેનો અર્થ એ કે ભાજપે શરૂઆતના ટ્રેન્ડમાં બહુમતીનો આંકડો પાર કરી લીધો છે. નવી દિલ્હી બેઠક પરથી આમ આદમી પાર્ટી (AAP)ના અરવિંદ કેજરીવાલ, કાલકાજી બેઠક પરથી આતિશી અને પટપરગંજ બેઠક પરથી અવધ ઓઝા પાછળ છે. જ્યારે જંગપુરા બેઠક પરથી મનીષ સિસોદિયા આગળ નીકળ્યા છે.દેશના પાટનગર દિલ્હીમાં પાંચમી ફેબ્રુઆરીએ મતદાન થયું હતું, ચૂંટણી પંચ અનુસાર કુલ 60.54 ટકા મતદાન થયું હતું. મતદાન બાદ મોટા ભાગના એક્ઝિટ પોલમાં અનુમાન લગાવવામાં આવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી 27 વર્ષ બાદ સરકારમાં વાપસી કરી રહી છે. જોકે આમ આદમી પાર્ટીના કેજરીવાલે તમામ એક્ઝિટ પોલ નકારતાં સરકાર બનાવવાનો દાવો કર્યો હતો.
![](https://chitralekha.com/chitralemag/wp-content/themes/Newspaper/images/whatsapp-channel-follow.png)