રેખા ગુપ્તા સાથે આજે 6 મંત્રી પણ લેશે શપથ, કોણ છે લિસ્ટમાં સામેલ?

નવી દિલ્હી: રાજધાનીમાં આજે નવી ચૂંટાયેલી ભાજપ સરકારનો શપથ સમારોહ યોજાવા જઇ રહ્યો છે. એક દિવસ પહેલાં જ રેખા ગુપ્તાને ભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં નેતા તરીકે પસંદ કરવામાં આવતા તેમનું મુખ્યમંત્રી તરીકેનું નામ ફાઈનલ થઇ ગયું છે.

6 મંત્રીના નામ પણ ફાઈનલ 

આ સાથે દિલ્હીની નવી સરકારના શપથ ગ્રહણ સમારોહ દરમિયાન મુખ્યમંત્રીની સાથે છ મંત્રીઓ પણ મંત્રી પદ અને ગુપ્તતાના શપથ લેશે. મંત્રીઓના નામ પણ સામે આવ્યા છે. જેમાં પ્રવેશ વર્મા, આશિષ સૂદ, મનજિંદર સિંહ સિરસા, રવિન્દર ઇન્દ્રરાજ સિંહ, કપિલ મિશ્રા અને પંકજ કુમાર સિંહના નામ સામેલ છે.

શપથ લેતા પહેલા રેખા ગુપ્તાએ ગુરુવારે સવારે મીડિયા સાથે વાત કરતા કહ્યું, “આ એક મોટી જવાબદારી છે. મારા ઉપર વિશ્વાસ કરવા માટે હું પીએમ મોદી અને ભાજપ હાઇકમાન્ડનો આભાર માનું છું. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું દિલ્હીનો મુખ્યમંત્રી બનીશ. આ એક ચમત્કાર જેવું છે.”

દિલ્હીના રામલીલા મેદાનમાં નવી સરકારના ભવ્ય શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. શપથ ગ્રહણ સમારોહ આજે બપોરે થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, તેમના મંત્રીમંડળના સાથીઓ અને એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે.