નવી દિલ્હીઃ દીપક ગુપ્તાએ આજે દેશની અગ્રણી ઊર્જા કંપની ગેઇલ (ઇન્ડિયા) લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર (CMD) તરીકે કાર્યભાર સંભાળ્યો છે. દિલ્હી કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી મિકેનિકલ એન્જિનિયર દીપક ગુપ્તાની પાસે ઓઇલ અને ગેસ ક્ષેત્રે વેલ્યુ ચેઇનમાં 35 વર્ષથી વધુનો વ્યાપક અને વૈવિધ્યસભર અનુભવ છે. તેઓ ટેક્નિકલ કુશળતા, વ્યૂહાત્મક દ્રષ્ટિ અને બોર્ડ સ્તરની નેતૃત્વ ક્ષમતાનો અનોખો સમન્વય ધરાવે છે. તેમની નિપુણતા પ્રોજેક્ટ અને કન્સ્ટ્રક્શન મેનેજમેન્ટ, કોન્ટ્રેક્ટ્સ અને ગ્લોબલ પ્રોક્યોરમેન્ટ, ટેક્નોલોજી પસંદગી, બિઝનેસ ડેવલપમેન્ટ તેમ જ ઓપરેશન્સ અને મેઇનટેઇનન્સ જેવાં ક્ષેત્રોમાં ફેલાયેલી છે.

ગુપ્તા ફેબ્રુઆરી, 2022માં કંપનીમાં ડિરેક્ટર (પ્રોજેક્ટ્સ) તરીકે જોડાયા હતા અને હાલમાં તેઓ નેચરલ ગેસ અને LPG પાઇપલાઇન, ગેસ પ્રોસેસિંગ યુનિટ્સ, મહત્વપૂર્ણ SCADA ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા નેટ-ઝીરો લક્ષ્યાંકો હાંસલ કરવા માટે ગ્રીન એનર્જી પહેલો સહિત અનેક ઉચ્ચ પ્રભાવવાળા પ્રોજેક્ટ્સના અમલીકરણનું નેતૃત્વ કરી રહ્યા છે. તેઓ 20,000 કિમીથી વધુ વિસ્તરેલા નેચરલ ગેસ અને LPG પાઇપલાઇન નેટવર્ક, કોમ્પ્રેસર સ્ટેશનો અને પ્રોસેસ પ્લાન્ટ્સના ઓપરેશન અને મેઇનટેઇનન્સનું પણ સંચાલન કરે છે.
તેમના નેતૃત્વ હેઠળ કંપનીની સહાયક કંપની કોંકણ LNG લિમિટેડનો દાભોલ બ્રેકવોટર પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ થયો, તેમણે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન ક્ષેત્રે અનેક પહેલો શરૂ કરીને વ્યાવસાયિક પ્રક્રિયાઓમાં ચપળતા અને પારદર્શિતા વધારી છે.
તેમણે કઈ-કઈ જવાબદારી નિભાવી છે?
આ પહેલાં તેઓ કંપનીના સંયુક્ત સાહસોમાં બોર્ડ સભ્ય તરીકે પણ કાર્યરત રહ્યા હતા — જેમ કે તાલચેર ફર્ટિલાઇઝર્સ લિમિટેડ (ભારતનું પ્રથમ કોલ ગેસિફિકેશન આધારિત ખાતર પ્રોજેક્ટ)ના ચેરમેન, ONGC પેટ્રો (OPaL) તથા સાઉથ-ઇસ્ટ એશિયા ગેસ પાઇપલાઇન લિ. (SEAGP)ના ડિરેક્ટર રહ્યા. તેઓ ગ્રીન ગેસ લિમિટેડ અને મહારાષ્ટ્ર નેચરલ ગેસ લિમિટેડના ભૂતપૂર્વ ચેરમેન પણ રહ્યા છે. આ ભૂમિકાઓમાં તેમણે વ્યૂહાત્મક આયોજન, સ્ટેકહોલ્ડર સંકલન, કોર્પોરેટ ગવર્નન્સ અને બિઝનેસ આયોજનમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
એ પહેલાં એન્જિનિયર્સ ઇન્ડિયા લિ.માં 32 વર્ષના કારકિર્દી દરમિયાન તેમણે વિશ્વની સૌથી મોટી સિંગલ-ટ્રેન ડાંગોટે રિફાઇનરી અને પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ (નાઇજિરિયા), HMELનું મેગા પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ (ભટિંડા) અને કંપનીના પાતા પેટ્રોકેમિકલ વિસ્તરણ જેવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું સફળ નેતૃત્વ કર્યું હતું. તેમણે મોંગોલિયામાં પ્રથમ ગ્રીનફિલ્ડ રિફાઇનરી પ્રોજેક્ટનું નેતૃત્વ કરીને ભારતની વૈશ્વિક ઊર્જા રાજનૈતિક પહેલમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.


