નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સીઝનમાં આશરે એક સપ્તાહ બચ્યું છે. ત્યારે હવે IPL 2025થી પહેલાં દિલ્હી કેપિટલ્સે (DC)એ કેપ્ટનના નામની જાહેરાત કરી છે. અક્ષર પટેલને દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. અક્ષર પટેલ 2019થી દિલ્હી કેપિટલ્સ સાથે છે અને ગત વર્ષ નવેમ્બરમાં IPL 2025ની મેગા હરાજી પહેલાં તેને 16.50 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યો હતો. અક્ષર પટેલને કેપ્ટન્સીનો એટલો અનુભવ નથી, પરંતુ તેને આ વર્ષે જાન્યુઆરીમાં ભારતનો T20I વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.
31 વર્ષના અક્ષર પટેલે તમામ ફોર્મે્ટસમાં મળીને કુલ 23 મેચોમાં પોતાની રાજ્ય ટીમ ગુજરાતનું નેતૃત્વ કરેલું છે. હાલમાં જ સૈયદ મુશ્તાક અલી ટી20 ટ્રોફી અને 2024-25માં વિજય હજારે ટ્રોફીની કેટલીક મેચોમાં અક્ષર પટેલે ગુજરાતની કમાન સંભાળી હતી.
અક્ષર પટેલે ગત વર્ષ એક IPL મેચમાં દિલ્હી કેપિટલ્સની કેપ્ટન્સી સંભાળી હતી. IPL 2025ની મેગા ઓક્શનમાં ઋષભ પંતને લખનઉ સુપર જાયન્ટ્સના હાથે ગુમાવ્યા બાદ દિલ્હી કેપિટલ્સ પાસે અક્ષર પટેલ સૌથી અનુભવી ખેલાડી હતો, જે કેપ્ટન બનવા માટે પ્રબળ દાવેદાર હતો. અક્ષર પટેલે દિલ્હી કેપિટલ્સ (DC) માટે છ આઈપીએલ સીઝનમાં 82 મેચ રમી છે. ગત વર્ષે અક્ષર પટેલે લગભગ 30ની સરેરાશથી 235 રન કર્યા અને 7.65ના ઈકોનોમી રેટથી 11 વિકેટ લીધી હતી.
આ અગાઉ એવું અનુમાન થઈ રહ્યું હતું કે કેએલ રાહુલ દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન બનશે કારણ કે આ ફ્રેન્ચાઈઝીએ તેને મેગા ઓક્શનમાં 14 કરોડમાં ખરીદ્યો હતો. જોકે દિલ્હી કેપિટલ્સે આખરે અક્ષર પટેલને કેપ્ટન તરીકે પસંદ કર્યો છે.
