બરેલી: સોશિયલ મિડિયા પર થયેલી બોલાચાલી બાદ 16 વર્ષના એક દલિત કિશોરનું કથિત રીતે અપહરણ કરી તેને નિર્વસ્ત્ર બનાવવામાં આવ્યો અને મારપીટ કરવામાં આવી હતી. આ મામલે બે સગીર સહિત ત્રણ લોકોને ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર ઘટના બરેલીમાં જ રેકોર્ડ કરવામાં આવી હતી. બે અન્ય આરોપીઓ હાલ ફરાર છે, એમ પોલીસે જણાવ્યું હતું.
આ ઘટના 31 ડિસેમ્બરની રાત્રે બની હતી અને મારપીટનો વિડિયો શનિવારે સામે આવ્યો. સર્કલ ઓફિસર (સીઓ) આશુતોષ શિવમે જણાવ્યું હતું કે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 137 (અપહરણ), 191 (દંગો), 115(2) (સ્વેચ્છાએ ઇજા પહોંચાડવી), માહિતી ટેક્નોલોજી અધિનિયમની કલમ 67B તેમ જ અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ FIR નોંધવામાં આવી છે.
તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓની નારાજગી સોશિયલ મિડિયા પર કરવામાં આવેલી ટિપ્પણીઓને કારણે ઊભી થયેલી હતી. આરોપીઓનો દાવો છે કે પીડિતે તેમનામાંથી એકની બહેન વિશે આપત્તિજનક ટિપ્પણી કરી હતી.
પોલીસે જણાવ્યું હતું કે પીડિત જે એક દૈનિક મજૂરના પુત્ર છે અને આરોપીઓ બંને એક જ મહોલ્લામાં રહેતા હતા. યુવકની માતા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ અનુસાર તેમનો પુત્ર સાંજે ફરવા નીકળ્યો હતો, ત્યારે આરોપીઓ (નામ ગુપ્ત રાખવામાં આવ્યાં છે) મોટરસાઇકલ પર આવ્યા અને બંદૂકની નોકે તેનું અપહરણ કરીને તેને એક તળાવ પાસેની એકાંત જગ્યાએ લઈ ગયા હતા.
પોલીસની માહિતી મુજબ આરોપીઓએ ચાકુ અને બંદૂકો લહેરાવ્યા, યુવકનાં કપડાં ઉતારી નાખ્યાં અને તેની નિર્મમ રીતે મારપીટ કરી. મારપીટ દરમિયાન તેમણે કથિત રીતે ઘટનાનો વિડિયો પણ બનાવ્યો, જેથી તેને વધુ ડરાવી શકાય અને અપમાનિત કરી શકાય. યુવક કોઈ રીતે બચી ગયો અને ઘરે પહોંચીને તેણે પોતાની આપવીતી પરિવારને કહી. ત્યાર બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને સારવાર બાદ રજા આપવામાં આવી હતી.



