નવી દિલ્હીઃ એસોસિયેશન ફોર ડેમોક્રેટિક (ADR)એ હાલમાં મહિલા સાંસદો અને વિધાનસભ્યોથી જોડાયેલો એક રિપોર્ટ જાહેર કર્યો છે. ADRના વિશ્લેષણ મુજબ દેશભરમાં 17 મહિલા સાંસદ અને વિધાનસભ્ય છે, જેઓ અબજોપતિ છે, જ્યારે દેશમાં 28 ટકા મહિલા સાંસદો અને ધારાસભ્યો સામે ક્રિમિનલ કેસ નોંધાયા છે.
આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 143 એટલે કે 28 ટકા મહિલા સાંસદો અને ધારાસભ્યોએ તેમની સામે ક્રિમિનલ કેસ નોંધાયા હોવાનું જાહેર કર્યું છે.
લોકસભાના 75 મહિલા સાંસદોમાંથી 32 ટકા એટલે કે 24, રાજ્યસભાના 37માંથી 10 એટલે કે 27 ટકા અને 400 મહિલા ધારાસભ્યોમાંથી 109 એટલે કે 27 ટકાનો 143 મહિલા સાંસદો અને ધારાસભ્યોમાં સમાવેશ થાય છે. આ સિવાય કુલ 78 મહિલા સાંસદો-ધારાસભ્યો પર હત્યા અને હત્યાના પ્રયત્ન જેવા ગંભીર ક્રિમિનલ આરોપોનો સામનો કરી રહ્યા છે, તેમાં લોકસભાનાં 14 (19 ટકા), રાજ્યસભાના 7 (19 ટકા) અને 57 મહિલા ધારાસભ્યો સામે ગંભીર ક્રિમિનલ કેસ નોંધાયા હોવાનું જાહેર કર્યું છે.
કેટલાંક રાજ્યોમાં ક્રિમિનલ રેકોર્ડ ધરાવતાં મહિલા સાંસદોની સંખ્યા ઘણી વધુ છે. બિહાર સંભવતઃ સૌથી વધુ 15 મહિલા સાંસદો-ધારાસભ્યો સાથે આ યાદીમાં ટોચ પર છે. બિહારમાં 35માંથી 15 મહિલા સાંસદો-ધારાસભ્યો સામે ક્રિમિનલ કેસ છે.
ભાજપમાં 217 મહિલા સાંસદો વિરુદ્ધ કેસ
ભાજપમાં સૌથી વધુ કુલ 217 મહિલા સાંસદો છે, જેમાંથી 23 ટકા સામે ક્રિમિનલ કેસ છે. કોંગ્રેસમાં કુલ 83 મહિલા સાંસદો-ધારાસભ્યોમાંથી 34 ટકા પર ક્રિમિનલ કેસ છે. એ જ રીતે TDPમાં 65 ટકા, આમ આદમી પાર્ટીમાં 69 ટકા સામે ક્રિમિનલ કેસ નોંધાયેલા છે.
દેશમાં કુલ 512 મહિલા સાંસદો અને ધારાસભ્યોની કુલ જાહેર સંપત્તિ રૂ. 10,417 કરોડ છે, જેમાં પ્રત્યેક મહિલા નેતાની સરેરાશ સંપત્તિ રૂ. 20.34 કરોડ છે. આંધ્ર પ્રદેશમાં સૌથી વધુ 24 મહિલા સાંસદ-ધારાસભ્ય ધનકુબેર છે, જેમની સરેરાશ સંપત્તિ રૂ. 74.22 કરોડ છે.
આ સિવાય મહિલા સાંસદો-ધારાસભ્યોની શૈક્ષણિક યોગ્યતાની વાત કરવામાં આવે તો 71% સ્નાતક છે અથવા ઊચ્ચ ડિગ્રી ધરાવે છે. 24% એ ધો. 5થી 12 સુધીનો અભ્યાસ કર્યો છે જ્યારે 12 મહિલા સાંસદો-ધારાસભ્યો પાસે ડિપ્લોમાની ડિગ્રી છે. અન્ય 12 નેતાઓ પોતાને માત્ર સાક્ષર ગણાવ્યા છે.
