દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન તૈયાર

નવી દિલ્હી: દેશની પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેન તૈયાર થઈ ગઈ છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે વંદે ભારત સ્લીપર ટ્રેન તૈયાર થઈ ચૂકી છે અને તેની ટેસ્ટિંગ પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ કયા રૂટ પર વંદે ભારત સ્લીપર ટ્રેન દોડશે તેનો હજી સુધી નિર્ણય લેવામાં આવ્યો નથી. વંદે ભારત ટ્રેન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સપનાના પ્રોજેક્ટ્સમાંની એક છે.

રેલવે મંત્રીએ જણાવ્યું હતું કે વંદે ભારત સ્લીપર ટ્રેનને જોડામાં ચલાવવી પડે છે. તેથી બીજી ટ્રેન પણ તૈયાર થઈ રહી છે, જે 10 ઓક્ટોબર સુધી તૈયાર થઈ જશે. બંને ટ્રેન તૈયાર થઈ ગયા બાદ કોઈ એક રૂટ પસંદ કરીને તેને ચલાવવામાં આવશે. છેલ્લા થોડા સમયથી મિડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે પહેલી સ્લીપર ટ્રેન દિલ્હીથી પટના અથવા દિલ્હીથી બનારસ વચ્ચે દોડશે. કેટલાક રિપોર્ટમાં દિલ્હીથી કોલકાતા વચ્ચે પણ પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેન ચલાવવાનો દાવો થયો હતો.દેશમાં પહેલી સ્લીપર ટ્રેન કયા રૂટ પર દોડશે તે નક્કી થયું નથી, પરંતુ સૂત્રોના મુજબ પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેન ઓક્ટોબરનાં અંત સુધી પાટા પર દોડતી જોવા મળી શકે છે.

વંદે ભારત સ્લીપર ટ્રેનનું નિર્માણ BEML દ્વારા કરવામાં આવ્યું છે. ટ્રેનની બોડી હાઈ ગ્રેડ ઓસ્ટેનિટિક સ્ટેનલેસ સ્ટીલથી બનેલી છે, જે તેને મજબૂત અને સુરક્ષિત બનાવે છે. તેને 160 કિમી પ્રતિ કલાકની ઝડપ માટે ડિઝાઇન કરવામાં આવી છે, જ્યારે તેની ટ્રાયલ 180 કિમી/કલાકની ઝડપે કરવામાં આવી છે.

કોચનું ઇન્ટિરિયર અત્યંત આકર્ષક અને આધુનિક છે, જેમાં વધુ સારી લાઇટિંગ અને સુંદર ડિઝાઇન છે. બર્થને રાજધાની એક્સપ્રેસ કરતાં પણ વધુ આરામદાયક બનાવવામાં ધ્યાન આપવામાં આવ્યું છે. સ્વચાલિત દરવાજા, ટચ-ફ્રી બાયો-વેક્યુમ ટોયલેટ અને CCTV કેમેરા જેવી સુવિધાઓ પણ તેમાં સામેલ છે.