શિવાજીના અપમાન પર પુણેના યવતમાં વિવાદ

પુણેઃ પુણે જિલ્લાના દૌંડ તાલુકાના યવત ગામમાં સાંપ્રદાયિક વાતાવરણ બગડ્યા બાદ ભારે ટેન્શન પ્રવર્તતું હતું. લોકોના રોષને જોઈને આખું બજાર બંધ રહ્યું હતું. કેટલાંક તત્વોએ વાહનોની તોડફોડ કરીને તેને આગ ચાંપી દીધી. આરોપીના ઘરમાં પણ તોડફોડ કરવામાં આવી. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આજુબાજુના ઘણા પોલીસ સ્ટેશનની ફોર્સ યવતમાં મોકલવામાં આવી છે. હાલ સ્થિતિ કાબૂમાં હોવાનું છે.

દૌંડ તાલુકાના યવત ગામમાં સોશિયલ મિડિયા પર એક વાંધાજનક પોસ્ટ વાયરલ થયા બાદ વાતાવરણ તણાવપૂર્ણ બન્યું હતું. આ પોસ્ટ એક ખાસ સમુદાયની વ્યક્તિ દ્વારા મૂકવામાં આવી હતી, જેને કારણે લોકોમાં ગુસ્સો ફાટી નીકળ્યો હતો.

યવતના નીલકંઠેશ્વર મંદિરમાં 26 જુલાઈએ છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિ સાથે છેડછાડ થઈ હતી. આ ઘટનાનો આરોપી એક ખાસ સમુદાયની વ્યક્તિ હોવાનું જણાવવામાં આવ્યું છે અને તેની પોલીસે ધરપકડ કરી છે.

SP નારાયણ દેશમુખના જણાવ્યા અનુસાર પોસ્ટ મૂકનાર સૈયદ નામના યુવકની યવત પોલીસે ધરપકડ કરી છે. જોકે પોસ્ટમાં શું લખ્યું હતું તે હજી જાહેર કરવામાં આવ્યું નથી. પોલીસ દ્વારા હવે પણ એ વાતો જાહેર કરાતી નથી, જેથી સ્થિતિ વધુ ન બગડે.

આ યુવક યવતના સહકારનગર વિસ્તારમાં રહે છે. સ્થાનિક કાર્યકર્તાઓએ ત્યાં પહોંચીને તેના ઘરમાં તોડફોડ કરી. જોકે પોલીસે સમયસૂચક દખલ કરીને વધુ હિંસા અટકાવી દીધી. દૌંડ તાલુકાનાં અનેક ગામોમાં આ ઘટના વિરુદ્ધમાં બંધનું એલાન કરવામાં આવ્યું હતું. આ બાબતે ધારાસભ્ય ગોપીચંદ પડલકરે જણાવ્યું હતું કે આ ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. સૈયદ નામના “જેહાદી”એ યવતમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અપમાન કરીને ઘૃણાસ્પદ કાર્ય કર્યું છે. અહીંના ધારાસભ્યે કહ્યું હતું કે આ પાછળ મોટું ષડયંત્ર હોવાની શક્યતા છે. આવા લોકો સામે દેશદ્રોહનો કેસ થવો જોઈએ, તેના પર UAPA કાયદા હેઠળ કડક કાર્યવાહી થવી જોઈએ.