મણિપુર: રાજ્યમાં હિંસા વચ્ચે નેશનલ પીપલ્સ પાર્ટી (NPP)એ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાને પત્ર લખીને સમર્થન પરત લેવાનું એલાન કરી દીધું છે. NPPએ કહ્યું છે કે, ‘મુખ્યમંત્રી પરિસ્થિતિ સુધારવામાં નિષ્ફળ રહ્યા છે. એટલા માટે તાત્કાલિક અસરથી પોતાનું સમર્થન પરત લઈ રહ્યા છે.’
નેશનલ પીપલ્સ પાર્ટીએ પત્રમાં લખ્યું છે કે, “અમે સરકારને રાજ્યની હાલની સ્થિતિ કાયદો-વ્યવસ્થા પર પોતાની ચિંતા વ્યક્ત કરવા માગીએ છીએ. છેલ્લા કેટલાક દિવસોમાં અમે રાજ્યની સ્થિતિને વધુ ખરાબ થતા જોઈ છે. જેમાં અનેક નિર્દોષ લોકોના જીવ ગયા. રાજ્યમાં લોકો ખૂબ પીડામાંથી પસાર થઈ રહ્યા છે.’વધુમાં કહ્યું કે, ‘અમે દૃઢતાથી અનુભવ કરી રહ્યા છીએ કે મુખ્યમંત્રી બીરેનના નેતૃત્વવાળી મણિપુર સરકાર રાજ્યમાં ઉત્પન્ન થયેલા સંકટનું સમાધાન કરવામાં અને સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવામાં નિષ્ફળ સાબિત થઈ છે. હાલની સ્થિતિને ધ્યાનમાં રાખતા પીપલ્સ પાર્ટીએ નિર્ણય લીધો છે કે તેઓ મણિપુરમાં બીરેન સિંહના નેતૃત્વવાળી સરકારમાંથી તાત્કાલિક અસરથી પોતાનું સમર્થન પરત લઈ રહી છે.’