અમદાવાદ: 1લી જુલાઈ, 2024ના રોજ લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ આપેલા નિવેદન મામલે 2જી જુલાઈના રોજ ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય (રાજીવ ગાંધી ભવન) સામે અમદાવાદ શહેર ભાજપના કાર્યકરો દ્વારા કરાયેલા દેખાવમાં બન્ને પક્ષના કાર્યકરોએ સામ-સામે પથ્થરમારો કર્યો હતો. આ મામલે ભાજપ અને કોંગ્રેસે સામ-સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે પોલીસે કોંગ્રેસના પાંચ કાર્યકરોની ધરપકડ કરી હતી.
આ પાંચ આરોપીઓએ અમદાવાદ સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. પરંતુ કોર્ટે આજે પાંચેય આરોપીની જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે, જાહેરમાં પથ્થરમારો કરવો એ અપરાધ છે. જાહેરમાં કાયદો હાથમાં લેવો યોગ્ય નથી. પાંચેય આરોપીઓ એવા સંજય બ્રહ્મભટ્ટ, મનીષ ઠાકોર, મુકેશ દંતાણી અને વિમલ કંસારાને જામીન મળ્યા નથી, તેમણે જેલમાં રહેવું પડશે. આ મામલાની ફરિયાદ નવા કાયદા મુજબ કરવામાં આવી છે. આ આરોપીઓની જમીન અરજી તેમના એડવોકેટ ગુલાબખાન પઠાણ દ્વારા અમદાવાદ કોર્ટમાં ફાઈલ કરવામાં આવી હતી. જેની ઉપર 10 જુલાઈ, 2024 સુનાવણી હાથ ધરાઇ હતી. તેમાં અરજદારના વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે કેટલાક આરોપીઓ વિદ્યાર્થી છે, કેટલાક સારી નોકરી ધરાવે છે અને કેટલાક વૃદ્ધ છે. FIR વધારી ચઢાવીને લખવામાં આવી છે. પથ્થરમારાની આગલી રાત્રે કેટલાક લોકો કોંગ્રેસ કાર્યાલયમાં ઘૂસીને રાહુલ ગાંધીના પોસ્ટર ઉપર શાહી લગાવી ગયા હતા એટલે પોલીસને આવો બનાવ બનશે તેવી શક્યતાની ખબર હતી. ભાજપ કાર્યકરો આવવાના હોવાથી કોંગ્રેસ કાર્યકરો કોંગ્રેસ ભવન ખાતે એકઠા થયા હતા. પોલીસ આ બનાવ બનતા રોકી શકતી હતી. બધા કાર્યકરો અમદાવાદના રહેવાસી હોવાથી કાનૂની કાર્યવાહીમાં સહયોગ આપશે.
તો સામે પક્ષે સરકારી વકીલે આરોપીઓને જામીન આપવા વિરુદ્ધ દલીલ કરી હતી કે આરોપીઓએ અસમાજિક પ્રવૃત્તિ કરી છે. તેમને જામીન ના આપીને સમાજમાં દાખલો બેસાડવો જોઈએ. કોર્ટે બન્ને પક્ષોની દલીલો સાંભળીને આજે ચુકાદો આપતાં અરજદારોના જામીન નકારી કાઢ્યા છે. આ આરોપીઓ ઉપર રાયોટિંગ, ગેરકાયદેસર મંડળી રચવી ,સરકારી કર્મચારીને હાનિ પહોંચાડવી, લોકોના જીવ જોખમમાં મૂકવા જેવા ગુના દાખલ કરવામાં આવ્યા છે. હવે આરોપીઓ જમીન માટે હાઈકોર્ટ જઈ શકે છે.ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે થયેલા પથ્થરમારામાં એ.સી.પી.,કોન્સ્ટેબલ અને હોમગાર્ડ સહિત 7 લોકોને ઈજા પહોંચી હતી. જેમાંથી માથે પથ્થર વાગતાં પાલડી પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ કર્મરાજસિંહ બેભાન થયા હતા. આ અંગે કર્મરાજસિંહે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં AMCમાં કોંગ્રેસના વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ, પ્રગતિ આહીર, હેતા પારેખ અને કોંગ્રેસના 200થી 250 જેટલાં અને ભાજપના 150-200 કાર્યકરો સામે ફરિયાદ નોંધી હતી.