વકફ બિલ મુદ્દે કોંગ્રેસ ‘સુપ્રીમ’ દ્વાર ખટખટાવશે

નવી દિલ્હીઃ લોકસભા બાદ રાજ્યસભામાં પણ વક્ફ સંશોધન બિલ પસાર થઈ ગયું છે. આ બિલનો બધા વિરોધ પક્ષોએ આક્રમક વિરોધ કર્યો છે.  જોકે, કોંગ્રેસે આ બિલને લઈને વિરોધ વ્યક્ત કર્યો છે. કોંગ્રેસનું કહેવું છે કે, ખૂબ જ જલદી વક્ફ બિલની સામે સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખટખટાવીશું અને વક્ફ સંશોધન બિલ, 2024ની બંધારણીયતાને સુપ્રીમ કોર્ટમાં પડકારીશું.

કોંગ્રેસ નેતા જયરામ રમેશે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતાં કહ્યું હતું કે અમને સંપૂર્ણ વિશ્વાસ છે અને અમે ભારતના બંધારણમાં સમાવિષ્ટ સિદ્ધાંતો, જોગવાઈઓ અને પ્રથાઓ પર મોદી સરકાર દ્વારા કરવામાં આવતા તમામ હુમલાઓનો વિરોધ કરતા રહીશું.

રાજ્યસભામાં વક્ફ બિલ પરની ચર્ચામાં વિપક્ષી પક્ષોએ ભારે વાંધો ઉઠાવ્યો હતો અને આ બિલને મુસ્લિમવિરોધી પણ જણાવ્યું હતું.

લોકસભામાંથી વક્ફ સંશોધન બિલ પસાર થયા બાદ એમ.કે. સ્ટાલિન બિલનો વિરોધ કરવા કાળી પટ્ટી બાંધીને ગૃહમાં પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે  ભારતમાં મોટી સંખ્યામાં પાર્ટીઓનો વિરોધ છતાં સહયોગીના ઈશારે રાત્રે બે વાગ્યે સંશોધનને પસાર કરીને બંધારણની સંરચના પર હુમલો છે. આ સિવાય વક્ફ બિલને લઈને એમ.કે. સ્ટાલિને કોર્ટનો દરવાજો ખખડાવવાની જાહેરાત કરી હતી. તામિલનાડુના CM અને ડીએમકે અધ્યક્ષ એમ.કે સ્ટાલિને ગુરુવારે કહ્યું હતું કે અમારી પાર્ટી આ બિલ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરશે.