પાલનપુર: બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરનો પાલનપુરમાં સત્કાર સમારોહ યોજાયો. આ સમારોહમાં AICCના પ્રભારી અને સાંસદ મુકલ વાસનીક, કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ અને વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા સહિત કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. સમારોહમાં મુકલ વાસનીક, શક્તિસિંહ ગોહિલ અને ગેનીબેન ઠાકોરની કેળા તુલા કરાઈ હતી. જ્યારે લોકસભામાં વિજય થતા ગેનીબેન ઠાકોરે કોંગ્રેસના કાર્યકર્તાઓને મામેરારૂપી માતર આપી હતી. આ કાર્યક્રમમાં મુકુલ વાસનીક, શક્તિસિંહ ગોહિલ અને ગેનીબેન ઠાકોરે ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને આવનાર તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસને વિજયી બનાવવા હાકલ કરી હતી.
સત્કાર સમારોહમાં સંબોધન સમયે સાંસદ ગેનીબેન ઠાકોરે દિલ્હીમાં શપથ ગ્રહણ સમારોહ દરમિયાન તેમને થયેલા અનુભવ વિશે વાત કરતા કહ્યું, “લોકો મારી સામે આંગળી ચીંધીને કહેતા હતા કે યે બહેન મોદી કે ગઢ સે જીત કે આઈ હૈ.” આગળ તેમણે ગુજરાતમાં કોંગ્રેસની જીતથી કેન્દ્રીય નેતૃત્વને જે બળ મળ્યું તે વિશે પણ વાત કરી. ગેનીબેન ઠાકોરે ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું, “બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં ગાંધીજીની વિચારધારાની સામે નોટ રૂપી ગાંધીજી બહુ ચાલ્યા. પણ સત્યનો વિજય થયો. આજે મને અહીં તલવાર આપી છે એ કોઈ હિંસા કરવા માટે નહીં પણ જ્યાં ખોટું થતું હોય અને ગાંધી ચીંધ્યા માર્ગથી ન સમજે તો તેમને તેમની ભાષામાં સમજાવવા માટે છે. બનાસકાંઠા SPથી માંડીને તમામ ડિપાર્ટમેન્ટને દબાવવાના પ્રયત્ન થયા હતા. છેવટે તેમણે પ્રિસાઈડિંગ ઓફિસરોની પણ મિટિંગ કરેલી. પણ બનાસકાંઠાની જનતા સાથે હતી એટલે એમનો પાપનો ઘડો ફૂટી ગયો.”