લખનૌઃ ઉત્તર પ્રદેશ CM યોગી આદિત્યનાથે વિધાનસભામાં કહ્યું હતું કે કોડિન કફ સિરપ અથવા નકલી દવાઓને કારણે રાજ્યમાં એક પણ મોત થયું નથી. જોકે વિધાનમંડળના શિયાળુ સત્રના બીજા દિવસે વિધાન ભવનના મુખ્ય ગેટ પર સપાના સભ્યોએ કોડિન કફ સિરપના કથિત ગેરકાયદે વેપાર સહિત વિવિધ મુદ્દાઓને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. સપા નેતાઓએ સરકારવિરોધી નારા લગાવ્યા હતા. CM યોગીએ કફ સિરપ તસ્કરીના મુદ્દે સમાજવાદી પાર્ટી પર જોરદાર પ્રહારો કર્યા હતા.
કોડિન કફ સિરપ મામલે રાજ્યમાંથી 77ની ધરપકડ
કોડિન કફ સિરપ મામલે CM યોગીએ કહ્યું હતું કે વિભોર રાણાને લાયસન્સ સમાજવાદી પાર્ટીએ આપ્યું હતું. આલોક સિપાહી (આ મામલામાં એક આરોપી)ની અખિલેશ યાદવ સાથે ભેટ આપતી તસવીરો વાયરલ થઈ હતી. અમે NDPS એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે અને અમારી કાર્યવાહી હજુ પણ ચાલુ છે. અત્યાર સુધીમાં અમે 77 આરોપીઓની ધરપકડ કરી છે. કોઈને પણ બક્ષવામાં નહીં આવે.
હું તમારું દુઃખ સમજી શકું છું, કારણ કે જ્યારે સરકારની કાર્યવાહી અંતિમ તબક્કે પહોંચશે, ત્યારે તમારામાંથી ઘણા લોકો ‘ફાતિહા’ વાંચવા જશે. અમે તમને એવી હાલતમાં પણ નહીં છોડીએ કે તમે ‘ફાતિહા’ વાંચી શકો. અમે એવી કાર્યવાહી કરીશું. રાજ્યના IG લો એન્ડ ઓર્ડરની અધ્યક્ષતામાં SIT બનાવવામાં આવી છે. રાજ્યમાં અમારી કાર્યવાહી સતત ચાલી રહી છે.
માફિયા સાથે સપાનું કનેક્શન—યોગી
કોડિન કફ સિરપ મામલે યોગી આદિત્યનાથે કહ્યું, એ બધાને ખબર છે. માફિયા સાથે કોના સંબંધો છે? શૈલી ટ્રેડર્સના શુભમ જયસ્વાલ સમાજવાદી પાર્ટીની યુવાજન સભાના પ્રદેશ સચિવ છે અને કેન્ટ વારાણસીથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અમિત યાદવના બિઝનેસ પાર્ટનર છે. યુપીમાં સૌથી મોટા સ્ટોકિસ્ટ શુભમ જયસ્વાલ છે, જે વારાણસીથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અમિત યાદવના બિઝનેસ પાર્ટનર છે. અમિત યાદવની અખિલેશ યાદવ સાથે તસવીર છે. તેઓ તમારા પદાધિકારી છે અને તમે આ વાત નકારી શકતા નથી.


