ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની પ્રશાસનિક વ્યવસ્થાઓમાં પરિવર્તનકારી બદલાવોથી સામાન્ય માનવીની સુવિધા, સુખાકારીના કામો અને ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસને વધુ સંગીન બનાવવાની નેમ વ્યક્ત કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, યુવાશક્તિના જ્ઞાન, કૌશલ્ય અને વરિષ્ઠ સચિવોના અનુભવના સમન્વયથી આ નેમ સાકાર કરવી છે. સી. એમ. ફેલોશીપ અંતર્ગત પસંદગી પામેલા અને રાજ્ય શાસનમાં વિવિધ વિભાગોમાં કાર્યરત ૨૪ સી.એમ. ફેલોના એક દિવસીય વર્કશોપનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીએ સંબોધન કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળમાં ૨૦૦૯માં આ સી.એમ. ફેલોશીપની શરૂઆત કરાવીને તેજસ્વી યુવાઓના ઈનોવેટિવ આઈડિયાઝથી ગુડ ગવર્નન્સનો રાહ દેશને ચીંધ્યો છે. આ અભિગમને પ્રશાસનિક વ્યવસ્થાને વધુ લોકાભીમુખ બનાવીને ટેકનોલોજીના ઉપયોગથી લોકહિતના કામો માટેના પથપ્રદર્શક ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, “અમે સરકાર ચલાવવા નહીં દેશમાં બદલાવ લાવવાના હેતુ સાથે કામ કરીએ છીએ.”
આ એક દિવસીય શિબિરના પ્રારંભે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સ્પીપા અને આઈ.આઈ.એમ. ઈન્દોર વચ્ચે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા. સ્પીપાના ડાયરેક્ટર જનરલ હરિત શુક્લા અને આઈ.આઈ.એમ. ઈન્દોરના ડિરેક્ટર હિમાંશુ સિંઘે આ એમ.ઓ.યુ. પરસ્પર એક્સચેન્જ કર્યા હતા. વિવિધ ૧૧ જેટલા વિષયોમાં પબ્લિક પોલીસી મેનેજમેન્ટ સંદર્ભે કેપીસીટી બિલ્ડીંગ તાલીમ કાર્યક્રમના સંયુક્તપણે આયોજન માટે આ એમ.ઓ.યુ. ઉપયોગ બનશે.
આ એક દિવસીય શિબિરમાં મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા અને રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવ ઓએ સી.એમ. ફેલોને માર્ગદર્શન આપ્યું હતું. સી.એમ. ફેલોએ પોતાના પ્રેઝન્ટેશન્સ પ્રસ્તુત કર્યા હતા અને બેસ્ટ પ્રેક્ટિસીસનું શેરીંગ કર્યુ હતું.


