કંગના રનૌતને થપ્પડ મારનાર CISF મહિલા જવાન સસ્પેન્ડ

ચંદીગઢ એરપોર્ટ પર CISF કર્મચારીએ અભિનેત્રી કંગના રનૌતને થપ્પડ મારવાના મામલાની રાષ્ટ્રીય મહિલા આયોગે પણ નોંધ લીધી છે. તેમજ CISF કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવી છે અને તેની સામે FIR નોંધવામાં આવી છે. દરમિયાન આ મામલે પંજાબ પોલીસના ડીએસપી એસ સંધુ ચંદીગઢ એરપોર્ટ પહોંચ્યા હતા. કંગના રનૌતની ઘટનાને લઈને CISF ઓફિસર સાથે બેઠક પણ કરી હતી. દરમિયાન અધિકારીઓએ કહ્યું કે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવી છે અને તેની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. કંગના રનૌત જ્યારે દિલ્હી જઈ રહી હતી ત્યારે તેને કથિત રીતે થપ્પડ મારવામાં આવી હતી.

NCWએ મહિલા જવાન સામે કાર્યવાહીની માંગ કરી

રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષે કહ્યું કે ચંદીગઢ એરપોર્ટ પર નવી ચૂંટાયેલી ભાજપ સાંસદ કંગના રનૌતને કથિત રીતે થપ્પડ મારનાર મહિલા CISF કોન્સ્ટેબલ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. આ ગંભીર બાબત છે કારણ કે એરપોર્ટ પર સુરક્ષા માટે જવાબદાર લોકો તેનું ઉલ્લંઘન કરી રહ્યા છે. એક્સ પરની એક પોસ્ટમાં તેણે કહ્યું કે મહિલા CISF જવાનો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.