6 વર્ષ પછી ફરી શરૂ થશે CID શૉ, જોઈ લો આ વીડિયો

મુંબઈ: જ્યારે પણ ટીવીના સૌથી લોકપ્રિય ટીવી શોની વાત કરવામાં આવે છે ત્યારે ડિરેક્ટર બી.પી.સિંહના ડિટેક્ટીવ શો સીઆઈડીનું નામ ચોક્કસપણે સામેલ કરવામાં આવે છે. લગભગ 20 વર્ષથી આ સિરિયલે ભારતના દરેક ઘરમાં લોકોનું મનોરંજન કર્યું છે. આ શોએ માત્ર વર્ષો સુધી પ્રેક્ષકોનું મનોરંજન જ નથી કર્યું પરંતુ બદલાતા ટીવી ટ્રેન્ડ વચ્ચે એક કલ્ટ ઈન્ડિયન શો પણ બની ગયો. જ્યારે શો સમાપ્ત થયો ત્યારે સોશિયલ મીડિયા ‘એક યુગનો અંત’ પોસ્ટથી ભરાઈ ગયું હતું. ચાહકોએ આ શો પરત કરવાની માંગ શરૂ કરી દીધી હતી. આ શોની સ્ટાર કાસ્ટના પણ ખૂબ વખાણ થયા હતા. તેના પાત્રો, એસીપી પ્રદ્યુમન, દયા, અભિજીત અને ફ્રેડી લોકોના દિલમાં વસી ગયા. હવે એવું લાગે છે કે મેકર્સ સમજી ગયા છે કે લોકો આ શોને ફરીથી જોવા માટે કેટલા બેતાબ છે.

જી હા, સીઆઈડી શૉ ફરી એકવાર ટીવી સ્ક્રીન પર કમબેક કરી રહ્યો છે. આ શોના ફેન્સ માટે સારા સમાચાર છે. નિર્માતાઓએ ગુરુવારે CIDની નવી શ્રેણીની જાહેરાત કરી છે. હા! તમારો ફેવરિટ શો 6 વર્ષ પછી ટીવી પર કમબેક કરી રહ્યો છે. લાંબા વિરામ બાદ એસીપી પ્રદ્યુમન, દયા અને અભિજીત ફરી એકવાર હત્યારાઓનો ખુલાસો કરશે. આ વખતે શો એક નવા ફ્લેવર અને સ્ટાઇલ સાથે આવશે. જે ટૂંકી ઝલક સામે આવી છે, તેમાં તમે જોઈ શકો છો કે ACP પ્રદ્યુમન આગ લાગતી જગ્યા પર પહોંચે છે. આ સિવાય ઈન્સ્પેક્ટર દયા અને ઈન્સપેક્ટર અભિજીતની આંખો બતાવવામાં આવી છે. આ સાથે જ જણાવવામાં આવ્યું છે કે આ શોનો પહેલો પ્રોમો 26 ઓક્ટોબરે રિલીઝ થશે.

CIDની શરૂઆત વર્ષ 1998માં સોની ટીવી પર થઈ હતી. 2018 સુધી આ શોએ દર્શકોનું ઘણું મનોરંજન કર્યું. આ શો વર્ષોથી એક કલ્ટ સિરિયલ બની ગયો. લોકો હજુ પણ એસીપી પ્રદ્યુમન અને દયા જેવા તેના કલાકારો વિશે વાત કરે છે. હવે આ ચર્ચા ફરી વધી રહી છે, કારણ કે CID 6 વર્ષના લાંબા ગાળા બાદ સોની ટીવી પર વાપસી કરવા જઈ રહી છે. ગુરુવારે, સોની ટીવીએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર CIDની નવી સીઝનનો પ્રથમ વીડિયો શેર કર્યો. જેમાં તમને એસપી પ્રદ્યુમન (શિવાજી સાટમ), ઈન્સ્પેક્ટર દયા (દયાનંદ શેટ્ટી) અને સિનિયર ઈન્સ્પેક્ટર અભિજીત (આદિત્ય શ્રીવાસ્તવ)ની ઝલક જોવા મળશે. મેકર્સે ઈન્સ્ટા પોસ્ટના કેપ્શનમાં લખ્યું, ‘તમારા કેલેન્ડર્સને માર્ક કરો, 26 ઓક્ટોબરે એક બ્લોકબસ્ટર પ્રોમો વીડિયો લોન્ચ કરવામાં આવશે.’ આ જાહેરાત બાદ ચાહકોનો ઉત્સાહ આસમાને છે.

જે રીતે રામાનંદ સાગરના પૌરાણિક શો ‘રામાયણ’ અને બીઆર ચોપરાના ‘મહાભારત’ને નાના પડદાની કલ્ટ સિરિયલ ગણવામાં આવે છે, એ જ રીતે ‘સીઆઈડી’ને પણ તે દરજ્જો મળ્યો છે. દરેક એપિસોડમાં CID ટીમ એક રસપ્રદ કેસના સસ્પેન્સને ઉકેલે છે, જેને ચાહકો જોવાનું પસંદ કરે છે. આશા છે કે, CID 2માં આ સ્પાય થ્રિલર ટીવી શોમાં વધુ સસ્પેન્સ જોવા મળશે.