હૈદરાબાદઃ તેલંગાણામાં CID એ હૈદરાબાદ ક્રિકેટ એસોસિયેશન (HCA)ના અધ્યક્ષ એ. જગન મોહન રાવ પર કરોડો રૂપિયાની હેરાફેરીના આરોપમાં ધરપકડ કરી છે. તેલંગાણા CIDએ દાવો કર્યો છે કે ક્રિકેટ બોલ, એર કન્ડિશનર, સ્પોર્ટ્સનાં વસ્ત્રો અને પ્લમ્બિંગ સામગ્રી એ એવા ખર્ચના મુદ્દા હતા જેના આધાર પર હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA)ના અધ્યક્ષ એ. જગનમોહન રાવે કથિત રીતે એસોસિયેશનના ખજાનચી સી.જે. શ્રીનિવાસ રાવ અને CEO સુનીલ કાંતે સાથે મળીને નાણાકીય દુરુપયોગ કર્યો છે.
તેલંગાણા ગુનાહિત તપાસ વિભાગના જણાવ્યા અનુસાર કુલ મળીને લગભગ રૂ. 2.32 કરોડની હેરાફેરી થઇ છે. પોલીસે કરેલી FIR મુજબ આ હેરાફેરીના છ અલગ-અલગ મામલાઓ છે, જેમાં કેટરિંગ સેવા ફાળવવી અને વિદ્યુત સામગ્રી ખરીદીનો સમાવેશ થાય છે.
આ કેસ 9 જૂન 2025એ HCAના મહાસચિવ ડી. ગુરુવા રેડ્ડીએ નોંધાવેલી ફરિયાદ પર આધારિત છે. આ FIR અનુસાર જગનમોહન રાવે ટોચની કમિટીના અન્ય સભ્યો સાથે મળીને રૂ. 1.03 કરોડની હેરાફેરી કરી હતી અને આ રકમ BCCIના 2024-25ના ઘરેલુ સીઝન માટે બોલ ખરીદીમાં વપરાતી હોવાનું દાવો કર્યો હતો.
56.84 લાખનાં કપડાં ખરીદાયાં?
FIRમાં એવો પણ આક્ષેપ છે કે કેટરિંગનું કામ રૂ. 31.07 લાખમાં ખાનગી વેંડરને ફાળવવામાં આવ્યું અને રમતગમતનાં કપડાં ખરીદીને નામે રૂ. 56.84 લાખની હેરાફેરી કરવામાં આવી હતી. .
આ કલમો હેઠળ કેસ દાખલ થયો છે
જગનમોહન રાવ, શ્રીનિવાસ રાવ અને સુનીલ કાંતેની 9 જુલાઇએ IPCની કલમ 465 (જાલસાજી), 468 (ઠગાઇ માટે દસ્તાવેજ બનાવવો), 471 (નકલી દસ્તાવેજનો ઉપયોગ), 403 (ગેરકાયદે સંપત્તિ હસ્તગત કરવી), 409 (જનસેવા દ્વારા વિશ્વાસઘાત), 420 (ઠગાઈ), અને 34 (સામૂહિક ઈરાદા) હેઠળ ધરપકડ કરવામાં આવી છે.
