પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણી માટે LJP (R)ના પ્રમુખ ચિરાગ પાસવાને તેમની 40 બેઠકોની માગ ઘટાડીને હવે ભાજપને 35 બેઠકોની યાદી સોંપી છે. પક્ષનાં સૂત્રોએ જણાવ્યું કે ભાજપે NDAના સાથીદારોને 26 બેઠકો આપવાની સાથે ભવિષ્યમાં એક-એક ધારાસભ્ય પરિષદ (MLC) અને રાજ્યસભાની બેઠક આપવાનું પણ આશ્વાસન આપ્યું છે.
ચિરાગ પોતાના પક્ષ દ્વારા ગયા વર્ષે જીતેલી પાંચ લોકસભા બેઠકો — હાજીપુર, જમુઈ, વૈશાલી, ખગડિયા અને સમસ્તીપુર —માંથી દરેક ક્ષેત્રમાં ઓછામાં ઓછી બે બેઠકો મેળવવા માટે અડગ છે.LJP (R) દ્વારા NDAના કેટલાક સાથી પક્ષોની હાલની બેઠકો પરથી ચૂંટણી લડવાની માગને કારણે વિવાદ ઊભો થયો છે, તેમાં ગોવિંદગંજ, મટિહાની અને સિકંદરા બેઠકોનો સમાવેશ થાય છે, જે હાલ ક્રમશઃ ભાજપ, જનતા દળ (યુનાઇટેડ) અને હિન્દુસ્તાની અવામ મોરચા (સેક્યુલર) પાસે છે. LJP (R)ના ગોવિંદગંજ બેઠક પોતાના રાજ્ય પ્રમુખ રાજુ તિવારી માટે માંગે છે. ચિરાગ બ્રહ્મપુર બેઠક પરથી પક્ષના નેતા હુલાસ પાંડેને ઉમેદવાર બનાવવા પર અડગ છે, જ્યારે ભાજપ પોતાના નેતા સંતોષ રાયને ત્યાંથી ઉમેદવાર બનાવવા માગે છે — આ બેઠક હાલમાં RJD પાસે છે.
LJP (R)ની માગ યાદીમાં હાજીપુરની મહનાર અને મહુઆ બેઠકો, સમસ્તીપુરની મોરવા, ખગડિયાની અલૌલી, પટનાની ભાગલપુર સુધાર, બખ્તિયારપુર અને ફતુહા, ગયાની અત્રી, ઔરંગાબાદની ઓબરા તેમ જ શેખપુરા, અરવલ અને જહાનાબાદની બેઠકોનો સમાવેશ થાય છે.“ભલે અમે અમારી મૂળ માગ થોડી ઘટાડી હોય, પરંતુ અમે જિતાય તેવી બેઠકો માટે પ્રયત્નશીલ છીએ. ખાસ કરીને જ્યાં અમે એકલા ચૂંટણી લડીને પણ સારું પ્રદર્શન કર્યું હતું. ઉદાહરણ તરીકે, અમે મટિહાની બેઠક (2020ની વિધાનસભા ચૂંટણીમાં) જીતી હતી, પરંતુ અમારા વિધાયક રાજકુમાર સિંહ બાદમાં JDUમાં જોડાયા હતા. આ અમારી બેઠક છે. તેમ જ અમને અમારા સાથી પક્ષોની કેટલીક અન્ય બેઠકો પર પણ સુધારાની આશા છે.


