ચીનનો વળતો પ્રહાર, અમેરિકા પર લગાવ્યો 84 ટકા વધારાનો ટેરિફ

બીજિંગઃ અમેરિકા અને ચીન વચ્ચેનું ટેરિફ યુદ્ધ સતત વધી રહ્યું છે. અમેરિકાએ ગયા અઠવાડિયે ભારે ટેક્સ લગાવવાની નવી નીતિ જાહેર કરી હતી અને દુનિયાના બાકીના દેશોને ચેતવણી આપી હતી કે જો તેઓ પ્રતિસાદ આપશે તો વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે. જાપાન જેવા કેટલાક દેશો વાતચીત માટે તૈયાર છે, પરંતુ ચીને કડક વલણ અપનાવ્યું છે.

ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફથી વિશ્વ ખળભળી ઊઠ્યું છે. અન્ય દેશો સહિત ટ્રમ્પે ચીન પર આકરો ટેરિફ લાદી દીધો છે અને હજુ પણ વધારો કરવાની ચીમકી આપી છે. એવામાં ડ્રેગન શાંત બેસી રહે એવું તો કેમ બને? ટ્રમ્પના ટેરિફ વોરની સામે ચીને સાત ધાતુઓની નિકાસ રાતોરાત બંધ કરી દીધી છે, તે બાદ ફરી અમેરિકન વસ્તુઓ પર 84 ટકા એક્સ્ટ્રા ટેરિફ લાદવામાં આવ્યો છે.અમેરિકા અને ચીન વચ્ચે વેપાર ટ્રેડ વોર અટકવાનું નામ નથી લઈ રહ્યો. ગઈ કાલે ટ્રમ્પે ચીન પર 104 ટકા પ્રતિશોધક ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. તેના જવાબમાં ચીને આજે જાહેરાત કરી છે કે તે ગુરુવારથી અમેરિકન વસ્તુઓ પર 84 ટકા સુધીનો ટેરિફ લાદશે, જે અગાઉ જાહેર કરાયેલા 34 ટકા કરતાં ઘણો વધારે છે.

અમેરિકાએ 2024માં ચીનને 143.5 અબજ ડોલરનો માલસામાન નિકાસ કર્યો હતો અને 438.9 અબજ ડોલરનો માલસામાન ચીનથી આયાત કર્યો હતો. હવે બંને દેશો વચ્ચે વેપાર પર બ્રેક લાગી શકે છે, જેનાથી વૈશ્વિક અર્થતંત્ર પણ હચમચી શકે છે.