ચીન પોતાના સ્પેસ સ્ટેશનમાં પાકિસ્તાની અવકાશયાત્રી મોકલશે

ચીન: પાકિસ્તાનને રાજકીય ઉપરાંત સંરક્ષણ સહિતના વિવિધ ક્ષેત્રે મદદ ચીન પહોંચાડી રહ્યું છે. હવે અવકાશ વિજ્ઞાનમાં પણ ચીને પાકિસ્તાન સામે મદદનો હાથ લંબાવ્યો છે. ચીન પહેલીવાર પોતાના સ્પેસ સ્ટેશનમાં પાકિસ્તાનના અવકાશયાત્રીને લઈ જશે.

ચીનના સ્પેસ સ્ટેશનનું નામ તિયાંગોંગ છે. પહેલીવાર આ સ્પેસ સ્ટેશનમાં ચીન કોઈ વિદેશીને લઈ જશે. આ માટે ઈસ્લામાબાદ ખાતે ચીનની સ્પેસ એજન્સી સી.એમ.એસ.એ. અને પાકિસ્તાનની સુપાર્કો વચ્ચે સમજૂતીના કરાર થયા હતા. આ પ્રસંગે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ હાજર હતા.CMSAના એક નિવેદન અનુસાર, બંને રાષ્ટ્રો પાકિસ્તાની અવકાશયાત્રીઓની પસંદગી અને તાલીમ માટે સહયોગ કરશે અને પસંદ કરાયેલ ઉમેદવાર આગામી વર્ષોમાં ટૂંકા ગાળાના મિશન માટે ચીની તાઈકોનોટ્સમાં જોડાશે તેવી અપેક્ષા છે. ચીને અગાઉ પણ પાકિસ્તાન માટે ઉપગ્રહ લૉન્ચ કર્યા હતા. તિયાંગોંગ અને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન એકમેકના હરીફ તરીકે જોવામાં આવે છે. ચીન 2030 સુધીમાં ચંદ્ર પર માનવ મિશન મોકલવાની તૈયારી કરી રહ્યું છે. જ્યારે અમેરિકા આ વર્ષે જ ચંદ્ર પર ઉતરવાની યોજના ધરાવે છે.