ગુજરાતના નકશાની રંગોળી બનાવી વિદ્યાર્થીઓેએ લોકોને મતદાન કરવાની કરી અપીલ

અમદાવાદ : ગુજરાત હાલ ચૂંટણીના રંગમાં રંગાયું છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે હવે આ લોકશાહીના પ્રસંગે લોકોને વિવિધ કાર્યક્રમ અને અનોખા પ્રયોગો દ્વારા લોકોને મતદાન માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે. આ ચૂંટણીને લઈને ચૂંટણી પંચ દ્વારા તારીખો જાહેર કરી દેવામાં આવી છે. ત્યારે હવે તમામ પાર્ટીઓ પ્રચાર માટે મેદાનમાં ઉતરી ગઈ છે. તો બીજી તરફ નાના બાળકોથી લઈને સૌ કોઈ વિવિધ પ્રકારે આ લોકશાહીના અવસર પર લોકોને મતદાન માટે અપીલ કરી રહ્યા છે.

વિદ્યાર્થીઓએ દોરી સુંદર રંગોળી

ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં મોટી સંખ્યામાં ઉત્સાહથી  મતદારો ભાગ લઇ લોકશાહીના અવસરને સાર્થક બનાવે એ માટે ઇલેક્શન કમિશન અને સરકારના જુદા જુદા વિભાગો પ્રયાસ કરી રહ્યા છે. મતદાન જાગૃતિ માટે શૈક્ષણિક સંસ્થાઓ પણ વિવિધ કાર્યક્રમો યોજી રહી છે. ત્યારે હવે શહેરની ‘અંજુમને ઇસ્લામ હાઇસ્કૂલ’ના વિદ્યાર્થીઓએ ગુજરાત રાજ્યનો નકશો રંગોળી દ્વારા દોરી મતદાન માટે અપીલ કરી હતી.

રંગોળીમાં રાજ્યનો નકશો દોરવામાં આવ્યો

ચૂંટણી ગુજરાત વિધાનસભાની છે એટલે રંગોળીમાં રાજ્યનો નકશો દોરવામાં આવ્યો હતો અને દરેક લોકોને મતદાન માટે તૈયાર થઇ જવા માટે અપીલ કરવામાં આવી છે. મતદાન જાગૃતિ માટે સહી ઝુંબેશ, સેલ્ફી પોઇન્ટ અને વિવિધ માધ્યમો દ્વારા  જાહેરાતો કરવામાં આવે છે.

મતદાન કરવાની અપીલ કરી

શહેરની આસ્ટોડિયા વિસ્તારની અંજુમને ઇસ્લામ હાઇસ્કૂલના બાળકો તહેવારો,  ઉત્સવો અને દેશ ભક્તિના કાર્યક્રમોમાં ઉત્સાહભેર ભાગ લઇ નાગરિકો ને જાગૃત કરે છે. ત્યારે આજે એક સુંદર રંગોળી દ્વારા રાજ્યના તમામ લોકોને આ લોકશાહીના અવસરમાં ભાગ લેવા અને મતદાન કરવાની અપીલ કરી હતી.

(પ્રજ્ઞેશ વ્યાસ)