અમદાવાદ એરપોર્ટ પર ઓસ્ટ્રેલિયાના PMનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું સ્વાગત

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બેનીઝ આજથી ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવ્યા છે. ત્યારે વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ હાલ અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમને લેવા માટે પહોંચ્યા હતા. તેમની સાથે જગદીશ વિશ્વકર્મા પણ હાજર હતાં એરપોર્ટ પર ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનનું ભારતીય પરંપરા મુજબ સ્વાગત કરવામાં આવ્યું હતું.

આવતી કાલે અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચ રમાવાની છે ત્યારે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અને ભારતના વડાપ્રધાન મોદી આ મેચ જોવા હાજર રહેવાના છે. ત્યારે આજે સાંજે ચાર વાગે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. જ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે રાજ્યના પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા, મેયર કિરીટભાઈ પરમાર, રાજ્યના મુખ્ય સચિવ રાજ કુમાર, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ, કલેકટર ધવલ પટેલ સહિત વરિષ્ઠ સચિવો અને અધિકારીઓએ પણ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનનું અભિવાદન કરી તેમને આવકાર્યા હતા

ઓસ્ટ્રેલિયાના PM ગાંધી આશ્રમની મુલાકાતે

તેઓ એરપોર્ટથી સીધા ગાંધી આશ્રમ ખાતે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરીને આશ્રમની મુલાકાતે પહોંચ્યા છે. અને ત્યાર બાદ તેઓ સીધા તેઓ હોટલ ખાતે જશે. ગાંધી આશ્રમમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને ગાંધીજીની પ્રતિમાને બે હાથ જોડીને પ્રણામ કર્યા હતા.