અખંડ ભારતના શિલ્પી અને લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાન સભા પરિસરમાં સરદાર સાહેબની પ્રતિમા ને અને વિધાન સભા પોડિયમમાં આવેલા તેમના તૈલચિત્રને ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી સહિત મહાનુભાવોએ પણ સરદાર સાહેબને પુષ્પાંજલિ આપી હતી.
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીના અવસરે વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી તથા અન્ય મહાનુભાવો સાથે ગુજરાત વિધાનસભા પરિસરમાં આવેલ સરદાર સાહેબની પ્રતિમા તેમજ વિધાનસભા પોડિયમમાં સરદાર પટેલના તૈલચિત્ર સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી, અને ઉપસ્થિત સૌને રાષ્ટ્રીય એકતા દિવસની… pic.twitter.com/CQlj30edUY
— Bhupendra Patel (@Bhupendrapbjp) October 31, 2025
લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી પ્રસંગે દેશવાસીઓને શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કેવડિયા એકતા નગર ખાતે વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી-SOU’નું નિર્માણ કરાવીને શ્રેષ્ઠ અંજલિ અર્પણ કરી છે. આપણે સરદાર સાહેબની યાદમાં તેમના જન્મદિવસ તા. 31 ઓક્ટોબરને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે વર્ષ ૨૦૧૪થી ઉજવી રહ્યા છીએ. વડાપ્રધાનના સંકલ્પ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી સૌને સાથે મળીને એકતાના કાર્યમંત્રને સિદ્ધ કરીને આગળ વધવા મુખ્યમંત્રીએ હાકલ કરી હતી.
ગુજરાતનાં સપૂત, લોહ પુરુષ અને અખંડ ભારતના શિલ્પી એવા સરદાર સાહેબની જન્મ જયંતી પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી જણાવ્યું હતું કે, આજની વૈશ્વિક સમસ્યાઓની સામે સરદાર સાહેબનો સંદેશો દુનિયા માટે ઐકયભાવ આપવા માટેનો છે. આપણે દેશને સશક્ત અને મજબૂત બનાવવા માટે સરદાર સાહેબનું સપનું પૂર્ણ કરવું તે દરેક નગરિકનું કર્તવ્ય છે. અધ્યક્ષશ્રીએ ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ નિમિત્તે દરેક ગુજરાતીઓને શુભકામનાઓ પાઠવી હતી.


