IPL 2023 : ગુજરાતને હરાવી ફાઈનલમાં પહોંચ્યું ચેન્નાઈ

એમએસ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ જે ગયા વર્ષે લીગ સ્ટેજમાંથી શરમજનક રીતે બહાર થઈ ગઈ હતી, તે આઈપીએલ 2023ની ફાઇનલમાં પહોંચી ગઈ છે. ધોનીએ ફરી એકવાર બતાવ્યું કે તે પુનરાગમન કરવામાં કેટલો માહેર છે. ગત સિઝનમાં ભલે તે નીચેથી બીજા ક્રમે હતી, પરંતુ તે ગયા વર્ષની વાત હતી અને આ આ વર્ષની વાત છે. ગત સિઝનની ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સને પ્રથમ ક્વોલિફાયરમાં ચેન્નાઈએ 15 રને પરાજય આપ્યો હતો. આ સાથે ચેન્નાઈએ 10મી વખત ફાઇનલમાં જગ્યા બનાવી છે. આટલું જ નહીં ચેન્નાઈએ IPLમાં પહેલીવાર હાર્દિક પંડ્યાની ગુજરાતને પણ હરાવ્યું છે. ચેન્નાઈએ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને રહીને પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું હતું, જ્યારે પંડ્યાનું ગુજરાત ટોચ પર રહીને પ્લેઓફમાં પ્રવેશ્યું હતું, પરંતુ ક્વોલિફાયર્સમાં ધોનીનું વર્ચસ્વ હતું.


ગાયકવાડની અદભૂત બેટિંગ

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ચેન્નાઈએ 20 ઓવરમાં 7 વિકેટે 172 રન બનાવ્યા હતા. ઋતુરાજ ગાયકવાડે 44 બોલમાં સૌથી વધુ 60 રન બનાવ્યા હતા. જ્યારે ડેવોન કોનવેએ 34 બોલમાં 40 રન બનાવ્યા હતા. ગાયકવાડ અને કોનવે સાથે મળીને ચેન્નાઈને શાનદાર શરૂઆત અપાવી હતી. બંને વચ્ચે 87 રનની ભાગીદારી થઈ હતી, પરંતુ 10.3 ઓવરમાં મોહિત શર્માએ ગાયકવાડને આઉટ કરીને આ ભાગીદારી તોડી હતી.આ પછી ચેન્નાઈની ગતિ પણ ધીમી પડી ગઈ હતી. અજિંક્ય રહાણે અને અંબાતી રાયડુ બંનેએ 17-17 રન અને રવિન્દ્ર જાડેજાએ 16 બોલમાં 22 રન બનાવ્યા હતા. આ પછી ચેન્નાઈના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.


બોલરોએ જીતની સ્ટોરી લખી

173 રનના ટાર્ગેટના જવાબમાં ચેન્નાઈએ ગુજરાતને 157 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ગુજરાત તરફથી શુભમન ગિલે સૌથી વધુ 42 રન બનાવ્યા હતા. ગુજરાત સામે દીપક ચાહર, મહિષ તિક્ષાના, રવીન્દ્ર જાડેજા અને મતિષા પથિરાનાએ 2-2 વિકેટ લીધી હતી. રિદ્ધિમાન સાહા, કેપ્ટન પંડ્યા, દાસુન શનાકા, વિજય શંકર, રાહુલ તેવટિયા બધા ફ્લોપ રહ્યા હતા. જોકે એક સમયે રાશિદ ખાનની તોફાની બેટિંગે ચેન્નાઈની ચિંતા વધારી દીધી હતી.


ગુજરાત ઓલઆઉટ

15 ઓવર પછી ગુજરાતને જીતવા માટે 30 બોલમાં 71 રનની જરૂર હતી. આ પછી રાશિદે ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કર્યો હતો. છેલ્લી ઓવરમાં ગુજરાતને જીતવા માટે 12 બોલમાં 35 રનની જરૂર હતી. ગુજરાત પુનરાગમન કરે તેવું લાગતું હતું, પરંતુ 19મી ઓવરના ત્રીજા બોલ પર તુષાર દેશપાંડેએ રાશિદને ડેવોન કોનવેના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. આ વિકેટે ચેન્નાઈની જીત પણ નિશ્ચિત કરી દીધી. છેલ્લી ઓવરમાં પથિરાનાએ શમીને આઉટ કરીને ગુજરાતનો આખો દાવ સમેટી લીધો હતો.